બાંગ્લાદેશમાં (Bangladesh) શેખ હસીના સરકાર પડી ભાંગ્યા બાદ હવે વચગાળાની સરકાર દેશ ચલાવી રહી છે. નોબેલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનુસની આગેવાનીવાળી આ સરકાર હવે દેશના બંધારણમાંથી ‘સેક્યુલર’ (Secularism) અને ‘સમાજવાદ’ (Socialism) જેવા શબ્દો હટાવવાની તૈયારી કરી રહી હોય તેવું તાજેતરના અમુક ઘટનાક્રમ પરથી જણાય રહ્યું છે. હમણાં જ બાંગ્લાદેશના એટર્ની જનરલે હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી વખતે સૂચન કરતાં કહ્યું કે, દેશના બંધારણમાંથી ‘સેક્યુલરિઝમ’ અને ‘સોશિયલિઝમ’ જેવા શબ્દો હટાવી દેવા જોઈએ. એટલું જ નહીં, બાંગ્લાદેશની સ્વતંત્રતામાં મોટી ભૂમિકા ભજવનાર શેખ મુજીબુર રહેમાનને આપવામાં આવેલો ‘રાષ્ટ્રપિતા’નો દરજ્જો પણ આંચકી લેવાની તૈયારી છે.
હાલ બાંગ્લાદેશમાં બંધારણમાં કરવામાં આવેલા 15મા સુધારા પર કોર્ટમાં એક કેસ ચાલી રહ્યો છે. આ 15મા સંશોધનમાં ‘પંથનિરપેક્ષતા’ પુનઃસ્થાપિત કરવા, ચૂંટણીઓ પર દેખરેખ રાખવા માટે વચગાળાની સરકાર સિસ્ટમને નાબૂદ કરવા, બંધારણ સિવાયના માધ્યમથી સત્તા સંભાળવા અને શેખ મુજીબુર રહેમાનને રાષ્ટ્રપિતાનો દરજ્જો આપવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે આ 15મો બંધારણીય સુધારો 2011માં તત્કાલીન શેખ હસીના સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો. શેખ હસીના મુજીબુર રહેમાનનાં પુત્રી થાય.
આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ ફરાહ મહબૂબ અને દેબાશીષ રોય ચૌધરીની ખંડપીઠ સમક્ષ દલીલ કરતાં બાંગ્લાદેશના એટર્ની જનરલ મોહમ્મદ અસદુઝ્ઝમાંએ કહ્યું હતું કે, શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના નેતા હતા એ વાત સાચી, પરંતુ આવામી લીગે (શેખ હસીનાની પાર્ટી) તેના હિતમાં તેમનું રાજનીતિકરણ કર્યું હતું. તેમણે એવી પણ દલીલ કરી હતી કે બાંગ્લાદેશમાં 90% વસ્તી મુસ્લિમોની છે તેથી ‘પંથનિરપેક્ષતા’, ‘સમાજવાદ’ અને ‘બંગાળી રાષ્ટ્રવાદ’ જેવા શબ્દો બંધારણમાંથી દૂર કરવા જોઈએ. નોંધનીય છે કે અસદુઝ્ઝમાંની એટર્ની જનરલ તરીકે નિયુક્તિ શેખ હસીનાના રાજીનામા બાદ કરવામાં આવી હતી.
તેમણે દલીલ કરતાં કહ્યું હતું કે, “પહેલાં અલ્લાહ પર હંમેશા ભરોસો હતો. હું ઈચ્છું છું કે આ બાબત અગાઉની જેમ જ યથાવત રહે. કલમ 2A જણાવે છે કે રાજ્ય તમામ ધર્મોના આચરણમાં સમાન અધિકારો અને સમાનતા સુનિશ્ચિત કરશે. જ્યારે કલમ 9 ‘બંગાળી રાષ્ટ્રવાદ’ની વાત કરે છે. આ બંને વિરોધાભાસી છે.” આગળ તેમણે શેખ મુજીબુર રહેમાનના હોદ્દા અંગે વાત કરતા કહ્યું કે, “શેખ મુજીબુર રહેમાનને ‘રાષ્ટ્રપિતા’ તરીકે લેબલ કરવા સહિત અનેક સુધારા દેશના વિભાજન અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને પ્રતિબંધિત કરે છે. તેમણે કહ્યું, “શેખ મુજીબના યોગદાનનું સન્માન કરવું મહત્વપૂર્ણ છે, પરંતુ તેમને કોઈ દરજ્જો આપવા માટે કાયદો બનાવવો એ વિભાજન કરવાની વાત થઈ ગઈ.”
ઉલ્લેખનીય છે કે એટર્ની જનરલે 15મા સુધારા હેઠળ દાખલ કરાયેલી કલમ 7Aની ટીકા કરી હતી. આ કલમ બળ અથવા ગેરબંધારણીય માધ્યમથી બંધારણને રદબાતલ કરવા, સ્થગિત કરવા અથવા નાશ કરવાના કોઈપણ પ્રયાસને ગુનાહિત બનાવે છે અને આવા કૃત્યોને દેશદ્રોહ ગણાવી મૃત્યુદંડની સજાની હિમાયત કરે છે. તેમણે તર્ક આપતાં કહ્યું હતું કે, આ પ્રતિબંધ લોકતાંત્રિક પરિવર્તનને સીમિત કરી આવામી લીગ સરકારને ઉખાડી ફેંકીને વચગાળાની સરકાર પ્રણાલી બહાલ કરનાર ‘જનઆંદોલન’ની પણ સ્પષ્ટ ઉપેક્ષા કરે છે.
ટૂંકમાં બાંગ્લાદેશની વચગાળાની સરકાર એવા તમામ અવરોધોને દૂર કરવામાં લાગેલી છે, જેનાથી વચગાળાની સરકાર પર કોઈ જોખમ ઊભું થઈ શકે. બીજી તરફ, લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી શેખ હસીનાની સરકાર પડી ભાંગ્યા બાદ આમ પણ બાંગ્લાદેશમાં ‘સેક્યુલરિઝમ’ નામનું રહી ગયું છે અને હિંદુઓ સહિતના લઘુમતીઓની સ્થિતિ કથળતી જાય છે. 5 ઑગસ્ટના રોજ સરકાર પડી ભાંગ્યા બાદ દિવસો સુધી હિંદુઓ સાથે જે હિંસા થઈ એની નોંધ આખા વિશ્વમાં લેવામાં આવી. ત્યારબાદ પણ બાંગ્લાદેશની વચગાળાની સરકારના ઈશારે પોલીસ પણ હિંદુવિરોધી ગતિવિધિઓમાં સામેલ રહી અને હવે ધીમેધીમે પાકિસ્તાનની જેમ જ કટ્ટર ઇસ્લામિક રાષ્ટ્ર બનવા તરફ બાંગ્લાદેશ આગળ વધી રહ્યું હોય એમ લાગી રહ્યું છે.