Friday, November 15, 2024
More
    હોમપેજદેશપત્ની 18 વર્ષથી ઓછી ઉંમરની હોય તો સહમતિથી બંધાયેલા શારીરિક સંબંધો પણ...

    પત્ની 18 વર્ષથી ઓછી ઉંમરની હોય તો સહમતિથી બંધાયેલા શારીરિક સંબંધો પણ બળાત્કાર: બૉમ્બે હાઈકોર્ટ

    કેસમાં અરજદારની દલીલ હતી કે ઘટના સમયે ફરિયાદી તેની પત્ની હતી અને તેની સહમતિથી જ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. પરંતુ બાદમાં અણબનાવ થતાં પત્નીએ કેસ કરી દીધો હતો. પરંતુ હાઈકોર્ટે કહ્યું છે કે જો પત્નીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો સહમતિથી બાંધેલા શારીરિક સંબંધ પણ બળાત્કાર માની શકાય.

    - Advertisement -

    એક કેસની સુનાવણી દરમિયાન બૉમ્બે હાઈકોર્ટે (Bombay High Court) અગત્યની ટિપ્પણી કરતાં કહ્યું કે, પત્નીની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હોય તો સહમતિથી બાંધવામાં આવેલા શારીરિક સંબંધો પણ બળાત્કાર (Rape) જ માનવામાં આવશે અને એ ગુના બદલ પુરુષને સજા થઈ શકે છે. કોર્ટ એક વ્યક્તિએ દાખલ કરેલી સજા પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી, જે દરમિયાન આ ટિપ્પણી કરવામાં આવી. કોર્ટે અરજી ફગાવીને ટ્રાયલ કોર્ટે ગુનેગારને ફટકારેલી 10 વર્ષની સજા યથાવત રાખી છે.

    કેસમાં અરજદારની દલીલ હતી કે ઘટના સમયે ફરિયાદી તેની પત્ની હતી અને તેની સહમતિથી જ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. પરંતુ બાદમાં અણબનાવ થતાં પત્નીએ કેસ કરી દીધો હતો. પરંતુ હાઈકોર્ટે કહ્યું છે કે જો પત્નીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો સહમતિથી બાંધેલા શારીરિક સંબંધ પણ બળાત્કાર માની શકાય. 18 વર્ષથી ઓછી ઉંમરની મહિલા માટે સહમતિ હોય કે ન હોય, તેનો કોઈ ફેર પડતો નથી.

    શું હતી કોર્ટની ટિપ્પણી

    ગત 12 નવેમ્બર, 2024ના રોજ આપેલા આદેશમાં કોર્ટે કહ્યું કે, “સુપ્રીમ કોર્ટ તરફથી નિર્ધારિત કાયદાને ધ્યાનમાં લઈએ તો એમ ન માની શકાય કે અરજદારનો પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર કે યૌન ઉત્પીડન ન હોય શકે. અહીં તે ધ્યાનમાં રાખવું જોઈએ કે 18 વર્ષથી ઓછી ઉંમરની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવા તે બળાત્કાર જ કહેવાય, પછી તે પત્ની પણ કેમ ન હોય અને સંબંધ સહમતિથી પણ કેમ ન બાંધવામાં આવ્યા હોય.”

    - Advertisement -

    કોર્ટે કહ્યું કે, “સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર વર્તમાન કેસમાં પત્ની સાથે સહમતિથી યૌન સંબંધ બાંધવામાં બચાવ પક્ષના તર્કને સ્વીકારી ન શકાય. એવું માની પણ લઈએ કે બંનેનાં લગ્ન થયાં હતાં, તો પણ પીડિતાની ફરિયાદને ધ્યાનમાં રાખીને કે સંબંધ તેની મરજી વિરુદ્ધ બનાવવામાં આવ્યો હતો, તેને બળાત્કાર જ માનવામાં આવશે.” કોર્ટે તેમ પણ કહ્યું કે, માત્ર મેડિકલ જ નહીં, સાક્ષીઓ, પુરાવાઓ, તે બંનેના બાળક, બાળકના જન્મના પ્રમાણપત્ર અને તેનો DNA રિપોર્ટ પણ પીડિતાના આરોપોની સાબિતી આપે છે.

    જસ્ટિસ ગોવિંદ સપને યુવકની અરજી ફગાવતાં કહ્યું કે, “પુરાવાઓનું પુનઃ મૂલ્યાંકન કરવા પર કોર્ટ એ બાબત પર સંતુષ્ટ છે કે ટ્રાયલ જજે કોઈ ભૂલ નથી કરી અને તમામ બિંદુઓ પર તેમનો નિષ્કર્ષ બરાબર છે. રેકર્ડ પર ઉપલબ્ધ સામગ્રી અને પુરાવાઓ જોતાં અરજદારની માંગ પર વિચારણા કરી શકાય અને પુરાવાઓ પર અવિશ્વાસ કરી શકાય તેવું કોઈ કારણ જણાય રહ્યું નથી. જેથી અરજી ફગાવવામાં આવે છે.” આમ કહીને કોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને બરકરાર રાખ્યો હતો.

    શું હતી આખી ઘટના

    કેસ વર્ષ 2019નો છે. ગુનેગાર યુવક અને ફરિયાદી મહિલા (જે ત્યારે સગીર વયની હતી) વચ્ચે ત્રણ-ચાર વર્ષથી પ્રેમસંબંધ હતા. પછીથી સગીરા એક દુકાનમાં કામ કરવા માંડી અને વર્ધામાં જ એક રૂમ ભાડે રાખ્યો. અહીં યુવક અવારનવાર આવતો રહેતો હતો. જ્યાં બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. આરોપ છે કે યુવકે લગ્નની લાલચ આપીને સંબંધો બાંધ્યા હતા. 

    મહિલાનું કહેવું છે કે તેને હતું કે તેઓ લગ્ન કરવા જઈ રહ્યાં છે, જેથી તેણે પણ સહમતિ આપી હતી. પણ જ્યારે તે ગર્ભવતી વાણી ગાઈ ત્યારે સમસ્યાઓ શરૂ થઈ. પછીથી યુવકે ભાડાના રૂમમાં જ અમુક પાડોશીઓને બોલાવીને લગ્ન કરવાનું નાટક કર્યું હતું. પીડિત યુવતીનું કહેવું છે કે આ નાટક માત્ર હતું અને તેની કોઈ કાયદાકીય વૈદ્યતા નથી કે જરૂરી ઔપચારિકતાનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું. 

    આરોપ છે કે આ ‘લગ્ન’ પછી યુવકે પીડિતાને હેરાન કરવાનું શરૂ કર્યું અને એબોર્શન કરવા માટે દબાણ કરવા માંડ્યો અને બાળકની જવાબદારી ઉપાડવાની પણ ના પાડી દીધી. આખરે ફરિયાદી યુવતીએ પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. 

    ટ્રાયલ કોર્ટની ઉલટ તપાસમાં ફરીયાદી યુવતીએ યુવક તેનો પતિ હોવાનું સ્વીકાર્યું હતું

    બીજી તરફ ફરિયાદ બાદ યુવકની ધરપકડ કરી લેવામાં આવી અને તેના વિરુદ્ધ પોક્સો સહિતના ગુના હેઠળ કાર્યવાહી કરવામાં આવી. ત્યારબાદ ટ્રાયલ કોર્ટમાં ઊલટતપાસમાં પીડિતાએ સ્વીકાર્યું હતું કે, જ્યારે તેણે બાળકલ્યાણ સમિતિમાં ફરિયાદ કરી તે સમયે તેણે અધિકારીઓને આરોપી સાથે બંને એકબીજાને હાર પહેરાવતા હોય તેવા ફોટા આપ્યા હતા અને કહ્યું હતું કે, આ યુવક તેનો પતિ છે.

    આ બાબતના આધારે જ યુવકે પોતાના વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને શારીરિક સંબંધ બંધાયા ત્યારે મહિલા તેની પત્ની હતી અને જે પણ થયું તે સહમતિથી થયું હોવાની દલીલ આપી હતી.

    જોકે બૉમ્બે હાઈકોર્ટે તેમ કહીને તેની અરજી ફગાવી દીધી કે, કોર્ટના વિચારમાં તેની દલીલને ન સ્વીકારવા માટેના એકથી વધુ કારણો છે. આ મામલામાં ફરિયાદી પક્ષે સાબિત કરી આપ્યું છે કે અપરાધ સમયે પીડિતા 18 વર્ષથી ઓછી ઉંમરની હતી. આથી જો તે સમયે યુવક યુવતી પતિ-પત્ની હોય પણ ખરાં અને સહમતિ તેમના વચ્ચે સંબંધ બંધાયા પણ હોય, તેમ છતાં કાયદાની દ્રષ્ટીએ તે સગીર વયની હોવાના કારણે આ યૌન સંબંધ બળાત્કાર ગણી શકાય. આ નોંધીને બૉમ્બે હાઈકોર્ટે અરજદાર યુવકની અરજી ફગાવીને તેના પરના દોષોને યથાવત રાખ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં