સ્વતંત્રતાની લડત જીતવામાં ભૂમિકા કોઈ એક વર્ગ કે સમુદાય સુધી સીમિત ન હતી, પણ સંઘર્ષ દરેક ભારતીયનો હતો. સ્વાતંત્ર્ય સેનાનીઓ માત્ર શહેરો કે ગામડાંમાં જ નહીં પરંતુ આદિવાસી સમુદાયમાંથી પણ હતા જેમણે એક સમયે દેશનાં જંગલોને બચાવવા પોતાના જીવની પણ ચિંતા કરી નહોતી. તેમના બલિદાનનું સૌથી મોટું ઉદાહરણ મધ્યપ્રદેશના સિવની જિલ્લાના ટુરિયા (Turiya Satyagrah) ગામમાં થયેલ જંગલ સત્યાગ્રહ છે.
જનજાતિ ગૌરવ દિવસના અવસર પણ જાણીએ શું હતો ટુરિયા ગામમાં થયેલ જંગલ સત્યાગ્રહ.
ટુરિયા ગામમાં જંગલ સત્યાગ્રહ 1930માં શરૂ થયો. આ સમયે એક તરફ ભારતીયોમાં સ્વતંત્રતાની ઈચ્છા ચરમસીમા પર હતી તો બીજી તરફ વિદેશીઓ પોતાના કડક કાયદા બનાવીને દેશ પર કબજો કરવા માંગતા હતા. વિદેશીઓ ભારતના મીઠાથી લઈને જંગલનાં લાકડાં સુધી કોઈ વસ્તુ છોડવા માંગતા નહોતા.
जनजातीय नायकों को नमन”
— Jansampark MP (@JansamparkMP) November 12, 2021
—-
जानिए स्वतंत्रता आंदोलन में महत्वपूर्ण भूमिका निभाने वाले टुरिया सत्याग्रह के बारे में…#जनजाति_गौरव_दिवस pic.twitter.com/IsiEnfm4tC
આ પરિસ્થિતિમાં મીઠાના આંદોલન દરમિયાન ભારતીયોએ અંગ્રેજોનો મીઠાના કાયદાનો ભંગ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. પાછળથી આ ચળવળનું વિકસિત સ્વરૂપ મધ્ય પ્રદેશના જિલ્લાઓમાં જંગલ સત્યાગ્રહના રૂપમાં જોવા મળ્યું.
બ્રિટિશરો મીઠાની જેમ જંગલમાં જઈને લાકડાં એકત્ર કરતા લોકો પાસેથી પણ કર વસૂલતા હતા. આ સમસ્યાના ઉપાયરૂપે એવું નક્કી કરવામાં આવ્યું કે જે રીતે દરિયાના પાણીમાંથી મીઠું લઈને અંગ્રેજોએ બનાવેલા મીઠાના કાયદાનો ભંગ કરવામાં આવ્યો હતો, તેવી જ રીતે જનજાતિ સુમદાયના લોકો પણ આ જ રસ્તે ચાલશે તથા જંગલમાં જઈને જંગલનું ઘાસ કાપીને જંગલ કાયદાનો ભંગ કરશે.
ત્યારપછી 9 ઑક્ટોબર, 1930ના રોજ મધ્યપ્રદેશના સિવનીથી જંગલ સત્યાગ્રહ શરૂ થયો હતો. સત્યાગ્રહમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો જોડાયા હતા, જેમનું નેતૃત્વ મૂકાજી સોણવાને કરી રહ્યા હતા. સત્યાગ્રહ માટે આયોજિત સભાઓમાં નક્કી કરવામાં આવ્યું કે સત્યાગ્રહના સ્વરૂપમાં તેઓ 16 કિમી દૂર સ્થિત ચંદનના બગીચામાં ઘાસ કાપશે.
જ્યારે આ સત્યાગ્રહ શરૂ થયો ત્યારે પહેલાં તો અંગ્રેજોએ સત્યાગ્રહીઓ પર તેમના કાયદા હેઠળ દંડ વસૂલવાનું શરૂ કર્યું, પરંતુ ધીમે-ધીમે જંગલમાં ઘાસ કાપવા જતા લોકોની સંખ્યા વધવા લાગી. જનજાતિ મહિલાઓ અને પુરુષો હાથમાં દાતરડું લઈને એકઠા થવા લાગ્યા અને આગળ વધવા લાગ્યા. જ્યારે જંગલના કાયદાનો ભંગ કરીને આંદોલન વધવા લાગ્યું ત્યારે ડેપ્યુટી કમિશનર સીમને આ આંદોલનને કચડી નાખવાનું નક્કી કર્યું. તેણે આ આંદોલનને રોકવા માટે પોલીસ ફોર્સ મોકલી, જેમાં લગભગ 100 સશસ્ત્ર પોલીસકર્મીઓ હતા.
સીમનનો ઉદ્દેશ્ય આદિવાસી લોકોને પાઠ ભણાવવાનો હતો જેથી તેઓ ફરીથી અવાજ ન ઉઠાવી શકે. આ માટે તેણે ઈન્સ્પેક્ટર સદરુદ્દીનને એક ચિઠ્ઠી આપી. જેમાં લખ્યું હતું – Teach Them Lesson (તેમને પાઠ ભણાવો). આદેશ મળ્યા પછી સદરુદ્દીને સૌપ્રથમ મૂકાજીની ધરપકડ કરી, જેઓ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા. મૂકાજીની ધરપકડ બાદ તેમના નેતાને બચાવવા માટે વિરોધ કરવા માટે ઉતરી આવેલા આદિવાસીઓ પર ખુલેઆમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
આ ગોળીબાર બાદ નાસભાગ મચી ગઈ હતી. ગોળીબાર ઘણા લોકો ઘાયલ થયા, જ્યારે 4 લોકોનાં મોત પણ થયાં હતાં. જેમાં વિરજુ ભાઈ સાથે ત્રણ આદિવાસી મહિલાઓ મુદ્દે બાઈ, રેનો બાઈ, દેભો બાઈસામેલ હતા. એવું કહેવાય છે કે બ્રિટિશ સેનાએ આ હુતાત્માઓના મૃતદેહને તેમના અંતિમ સંસ્કાર માટે પણ તેમના પરિવારોને પરત કર્યા ન હતા. આટલા લોકોનું લોહી વહેવડાવ્યા છતાં સીમન શાંત ન થયો તેણે ગ્રામજનોની વિરુદ્ધમાં કાર્યવાહી કરી.
સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતાં ખબર પડી કે સીમને જ સંદેશો આપીને સત્યાગ્રહીઓ પર હુમલો કરાવ્યો હતો. ત્યારપછી કોર્ટમાં હોબાળો થયો. જે પછી સીમનનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું. પરંતુ ત્યાં સુધી ટુરિયા સત્યાગ્રહની આગ સમગ્ર પ્રાંતમાં ફેલાઈ ચૂકી હતી.
ગોળીબારની ઘટના વિશે સાંભળીને લોકો બ્રિટિશ વહીવટીતંત્રની ક્રૂરતાથી વધુ જાણકાર બન્યા. આ ગોળીબારથી ઉદ્ભવેલો જનાક્રોશ સ્વતંત્રતાની લડતમાં ઉપયોગી બન્યો. ટુરિયા જંગલ સત્યાગ્રહે સાબિત કર્યું કે જનજાતિ સમુદાયે સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ ઓછી ભૂમિકા ભજવી નથી. તેમનું બલિદાન સાહસિકતાનું જ્વલંત ઉદાહરણ છે. આ બલિદાન પછી બ્રિટિશ સરકારે તેની નીતિઓ પર પુનર્વિચાર કરવો પડ્યો, જ્યારે અન્ય ઘણાં આંદોલનોને પ્રેરણા મળી અને રાષ્ટ્રીય સ્તરે જનજાતિ સમુદાયનો અવાજ બુલંદ થવા લાગ્યો.
આજે આ ટુરિયા જંગલ સત્યાગ્રહને લગતી લગતી માહિતી ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ ભારત સરકારની ઇન્ડિયન કલ્ચર સાઈટ પર, વિવિધ બ્લોગ્સમાં આ ઐતિહાસિક ઘટના અંગે માહિતી મળી શકે છે. ઉલ્લેખનીય છે કે લેખક ઘનશ્યામ સક્સેનાએ તેમના પુસ્તક ‘જંગલ સત્ય અને જંગલ સત્યાગ્રહ’માં આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.