ગત ચાર દિવસથી વરસાદ આખા ગુજરાતને ધમરોળી રહ્યો છે, મધ્ય-દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરા (Vadodara) અને સુરત સહિતના અનેક શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે હવે કચ્છ-સૌરાષ્ટ્રને લઈને હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યા છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) સતત ગુજરાતની ચિંતા સતાવી રહી છે. પીએમ મોદીએ છેલ્લા બે દિવસમાં બે વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે ટેલીફોનીક વાતચીત કરી છે. તેઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેમણે કેન્દ્રમાંથી બનતી તમામ મદદ કરવાનું પણ કહ્યું છે.
પીએમ મોદીએ છેલ્લા બે દિવસમાં બે વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાત કરીને ગુજરાતમાં વરસાદ (Gujarat Rains And Flood) અને પૂરની સ્થિતિ વિશે માહિતી લીધી છે. સીએમ પટેલે પોતે આ વિશે માહિતી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના X એકાઉન્ટ પર જણાવ્યું છે કે, સતત બીજા દિવસે પીએમ મોદીએ ફોન કરીને ગુજરાતની સ્થિતિ અંગેની જાણકારી મેળવી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, “સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે પુનઃ એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાંઓ સહિતની બાબતોની જાણકારી તેમણે મેળવી હતી.”
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી એ આજે સવારે પુનઃ એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 29, 2024
રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીએ વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેમણે અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલ રાહત અને સહાય અંગેની વિગતો મેળવી હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ ટેલીફોનીક વાતચીતમાં વડાપ્રધાને સ્વચ્છતા તેમજ જનજીવન ફરી પૂર્વવત થાય તે માટેના પગલા લેવા માર્ગદર્શન પણ આપ્યું હતું. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારના સહયોગની ખાતરી આપી હતી.
આ પહેલા પણ કર્યો હતો ફોન
ઉલ્લેખનીય છે કે આ સતત બીજો દિવસ છે કે વડાપ્રધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને તેમની પાસેથી પૂર અને વરસાદ અંગે જાણકારી લઈને ચિંતા વ્યક્ત કરી હોય. આ પહેલા બુધવારે (28 ઓગસ્ટ 2023) પણ રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીને નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તે વખતે પણ તેમણે ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી હતી. નોંધનીય છે કે આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (HM Amit Shah) પણ ટેલીફોનીક વાતચીતના માધ્યમથી ગુજરાતની માહિતી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સાથે એક સાથે 2 વરસાદી સિસ્ટમ તૈયાર થતા છેલ્લા ચાર દિવસથી મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ખાસ વડોદરામાં વધુપડતા વરસાદને લઈને વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હતું. છેલ્લા બે દિવસથી આખું શહેર પાણીમાં છે. જોકે હવે વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાના શરૂ થયા છે અને તંત્ર પણ સતત ખડેપગે છે. બીજી તરફ હવામાન ખાતાએ આગામી સમયમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા પ્રશાસન લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે.