કોલકાતા ટ્રેની ડૉક્ટરના બળાત્કાર અને હત્યા (Kolkata Rape & Murder Case) મામલે ઘેરાયા બાદ આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના (RG Kar Medical College And Hospital) પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને IMAએ સસ્પેન્ડ કર્યો છે. બીજી તરફ CBI તેનો 2 વાર પોલીગ્રાફી ટેસ્ટ કરી ચૂકી છે, તથા હવે EDએ પણ તેના વિરુદ્ધ તપાસ આદરી છે. આશંકા છે કે તેણે નાણાકીય ગેરરીતી પણ આચરી છે. મહત્વની બાબત તે છે કે IMA દ્વારા તેનું સભ્યપદ રદ કર્યા બાદ તેની મુશ્કેલીઓમાં વધારો થશે. એસોસિએશન દ્વારા તેનો સસ્પેન્શન લેટર પણ જાહેર કરવામાં આવ્યો હતો.
સંદીપ ઘોષને IMAએ (Indian Medical Association) સસ્પેન્ડ કરતા એક નિવેદન પણ જાહેર કર્યુ છે. કહેવામાં આવ્યું છે કે એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. આરવી અશોકન (DR. RV Ashokan) તરફથી ગઠિત કરવામાં આવેલી સમિતિએ બુધવારે (28 ઓગસ્ટ 2024) સમગ્ર ઘટનાને લઈને પોતે જ સંજ્ઞાન લેવાનું વિચાર્યું હતું. ત્યારબાદ IMA મહાસચિવ સહિતના સભ્યોએ પીડિતાના માતાપિતાની મુલાકાત પણ કરી હતી. દરમિયાન IMAની બંગાળ શાખા તેમજ અનેક તબીબોએ માંગ કરી હતી કે સંદીપ ઘોષ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
▶️ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને #RGKarMedicalcollege અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું#Kolkata #KolkataDoctorDeath #kolkata pic.twitter.com/2pP6AXmwwm
— DD News Gujarati (@DDNewsGujarati) August 29, 2024
તમામ બાબતોને ધ્યાનમાં લઈને IMAના અધ્યક્ષ દ્વારા બનાવવામાં આવેલી સમિતિએ સર્વ સંમતીથી કોલકાતા શાખાના ડૉ. સંદીપ ઘોષનું (Sandip Ghosh) સભ્યપદ રદ કરવાનો નિર્ણય લીધો હતો. સાથે જ આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, IMA અને તબીબો ઉપરાંત કેટલાક સંઘોએ પણ આ પ્રકારની કાર્યવાહીની માંગ કરી હતી. એસોસિએશનની કહેવું છે કે જયારે તેમણે પીડિતાના પરિવાની મુલાકાત લીધી, ત્યારે તેમણે સંદીપ ઘોષ વિરુદ્ધ રાવ કરી હતી. તેમણે કહ્યું હતું કે સંદીપ ઘટનાને લઈને અસંવેદનશીલ રહ્યા છે.
CBI બાદ હવે સંદીપ EDના રડારમાં
નોંધનીય છે કે ટ્રેની ડૉક્ટર રેપ અને મર્ડર કેસમાં CBIએ સંદીપ ઘોષની પૂછપરછ કરી છે, જો કે સંદીપ ઘોષ પર ડોક્ટરની હત્યા મામલે કોઇ આરોપ નથી. 26 ઓગસ્ટના રોજ ઘોષનો ફરીથી પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં ઘોષે CBIને શું કહ્યું તેની માહિતી સામે આવી નથી. આ પહેલા 24 ઓગસ્ટના રોજ તેના ચાર સાથી ડૉક્ટર અને એક વોલેન્ટિયરનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ CBI કોઈ તારણ સુધી પહોંચે તે પહેલા જ હવે ED પણ સંદીપ ઘોષ વિરુદ્ધ મેદાનમાં આવ્યું છે, એજન્સી તેની સામે નાણાકીય અનિયમિતતાની તપાસ કરશે. નોંધવું જોઈએ કે તેની સામે મની લોન્ડરિંગનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. EDએ CBIની એફઆઈઆરના આધારે આ કાર્યવાહી કરી છે. 25 ઓગસ્ટે CBIએ સંદીપ ઘોષના ઘરે દરોડા પાડ્યા હતા. એજન્સીએ ઘોષ સાથે સંકળાયેલા 15 લોકોના ઠેકાણાઓ પર એક સાથે રેડ કરી હતી.