આતંકવાદી સંગઠન તાલિબાને ઑગસ્ટ, 2021માં જ્યારથી અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે ત્યારથી ત્યાં ઇસ્લામી કાયદા શરિયાનું પણ પુનરાગમન થયું છે. તાલિબાનીઓએ એક પછી એક એવા કાયદાઓ લાગુ કર્યા છે, જેના કારણે નાગરિકોના મૂળભૂત અધિકારો જેવું પણ હવે રહેવા પામ્યું નથી. તેની મોટી અસર મહિલાઓ પર થઈ રહી છે, જેમનાં શિક્ષણ અને સ્વતંત્રતા પર તરાપ માર્યા બાદ હવે તાલિબાનીઓ નવા નિયમો લાગુ કરી રહ્યા છે, જે અનુસાર મહિલાઓ જાહેરમાં બોલી પણ શકશે નહીં અને પરપુરુષો તરફ જોઈ પણ શકશે નહીં. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આ નિયમો ઘડ્યા હતા, જેને સુપ્રીમ લીડરની પરવાનગી મળી ચૂકી હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં તાલિબાનીઓએ આ નવા કાયદાઓ જાહેર કર્યા હતા. નિયમાનુસાર, મહિલાઓ હવે જાહેરમાં બોલી શકશે નહીં અને ગાઈ પણ નહીં શકે. તાલિબાનોએ મહિલાઓના અવાજને અંગત ગણાવ્યો છે અને કહ્યું છે કે તે જાહેરમાં સંભળાવો ન જોઈએ. ઉપરાંત, મહિલાઓ ગાતી, કશુંક પાઠ કરતી કે મોટેથી કશુંક વાંચતી પણ સંભળાવી ન જોઈએ. એટલું જ નહીં, મહિલાઓ ઘરોમાં પણ મોટેથી વાંચતી કે ગાતી સંભળાવી ન જોઈએ એવું નિયમોમાં જણાવવામાં આવ્યું છે.
અફઘાન મહિલાઓ માટે નવો નિયમ બનાવવામાં આવ્યો છે કે તેઓ હવેથી જેમની સાથે નિકાહ થયા હોય કે જેમની સાથે લોહીના સંબંધો હોય તેમના સિવાય અન્ય પુરુષો તરફ સીધી નજરથી જોઈ પણ શકશે નહીં. નિયમ કહે છે કે, જ્યારે પણ મહિલા બહાર નીકળશે ત્યારે શરીર પૂરેપૂરું ઢાંકશે, ચહેરો પણ સંપૂર્ણ ઢાંકશે અને અવાજ કરશે નહીં. નિયમ નંબર 13માં આ બાબત જણાવવામાં આવી છે અને બહાર નીકળતી વખતે ફરજિયાત શરીરને ઢાંકવા માટે કહેવામાં આવ્યું છે. જે વસ્ત્રો પણ જાડાં હોવાં જોઈએ એમ કહેવાયું છે.
ઉપરાંત, પુરુષો માટે પણ અમુક નિયમો છે. જેમકે, તેમણે પણ ઘૂંટણ સુધી શરીર ઢંકાય તે પ્રકારનાં વસ્ત્રો પહેરવાં પડશે. ટેક્સી ડ્રાઈવરો માટે નિયમ બનાવવામાં આવ્યો છે કે જો કોઇ મહિલા એકલી હોય (સંબંધી પુરુષ સાથે ન હોય) અને તેને જો સેવા આપી તો સજા કરવામાં આવશે. ઉપરાંત, મુસાફરી કરતી વખતે જો મહિલા-પુરુષ એકબીજાને જાણતાં-ઓળખતાં ન હોય તો સાથે યાત્રા કરી શકશે નહીં. નોંધનીય છે કે તાલિબાનીઓ ઘણા સમય પહેલાં નિયમ બનાવી ચૂક્યા છે કે મહિલાઓ એકલી બહાર નીકળી શકે નહીં અને સાથે લોહીના સંબંધ ધરાવતા એક પુરુષનું હોવું જરૂરી છે.
આ સિવાય તાલિબાનોએ એવી પણ જાહેરાત કરી હતી કે જે મહિલાઓ અને યુવતીઓ આ કાયદાનું પાલન ના કરી શકે તેઓની તાલિબાન સરકારના અધિકારીઓ ઈચ્છે તો અટકાયત કરી શકશે અને નવા કાયદાઓ અનુસાર સજા પણ કરવામાં આવશે.
UNએ ચિંતા વ્યકત કરી, પણ ટસના મસ ન થયા તાલિબાનો
એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, આ અફઘાનિસ્તાનના ભવિષ્ય માટે ચિંતાજનક બાબત છે. કારણ કે આ નિયમોથી મોરલ ઇન્સપેક્ટરોને નિયમોના ઉલ્લંઘનના નામે કોઇને પણ અટકાવીને ધમકાવવાનો સીધો અધિકાર મળી જશે. આ નિયમો અફઘાન મહિલાઓ અને યુવતીઓના અધિકારો પર અગાઉથી જે પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે તેને વધુ કડક બનાવશે અને અહીં સુધી કે ઘરની બહાર એક મહિલાનો અવાજ પણ નૈતિકતાનું ઉલ્લંઘન માનવામાં આવશે. UN પ્રતિનિધિ સિવાય અફઘાનિસ્તાનમાં પણ ઘણે ઠેકાણે આ નિયમોનો વિરોધ થઈ રહ્યો છે.
જોકે, તાલિબાનોએ UNની ચિંતાને પણ બાજુ પર મૂકી દીધી છે અને કહી દીધું છે કે દેશમાં ઇસ્લામિક શરિયા લાગુ કરવા માટે તેઓ કોઇ પણ હદ સુધી જશે. UN પ્રતિનિધિના નિવેદન બાદ તાલિબાન સરકારના પ્રતિનિધિએ કહ્યું હતું કે, “અમે ફરી કહી રહ્યા છીએ કે વિવિધ પક્ષો તરફથી જે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવે છે તે ક્યારેય પણ ઇસ્લામિક એમિરેટ્સને (અફઘાનિસ્તાનની સરકારને) ઈસ્લામિક શરિયા કાનૂન લાગુ કરવામાં અને તેનું પાલન કરાવવામાં બાધારૂપ બની શકશે નહીં.