ભરૂચ તાલુકા પોલીસે એક મુસ્લિમ શખ્સની ધરપકડ કરી છે. તેણે હિંદુ ધર્મશાસ્ત્રોના શ્લોકોનું ખોટું અને ભ્રામક અર્થઘટન કરીને પેમ્ફલેટ છપાવ્યા હતા, જેમાં હિંદુ ધર્મગ્રંથોના શ્લોકોનો હવાલો આપીને ગૌહત્યા અને ગૌમાંસ ભક્ષણને યોગ્ય ઠેરવવામાં આવ્યું હતું. જોકે, આરોપીએ શ્લોકોનું તદ્દન ખોટું અને વિરુદ્ધ અર્થઘટન કર્યું હતું. જેના કારણે હિંદુ ધર્મના અનુયાયીઓની લાગણી દુભાઈ હતી. ભરૂચ તાલુકા પોલીસને આ ઘટના વિશેની ફરિયાદ મળ્યા બાદ તે દિશામાં તપાસ આદરી હતી અને આરોપી અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ મુફ્તીની ધરપકડ કરી હતી. બીજી તરફ, અન્ય એક કેસમાં ભરૂચ પોલીસે હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરનારા અન્ય 3 મુસ્લિમ શખ્સોની પણ ધરપકડ કરી હતી.
વધુ વિગતો અનુસાર, ભરૂચ તાલુકાના કંથારીયા ગામે એક હિંદુ વ્યક્તિને રસ્તા વચ્ચે જ 18 પાનાંનું પેમ્ફલેટ મળી આવ્યું હતું. જેમાં સંસ્કૃતના શ્લોકો જોવા મળ્યા હતા. તેનો અભ્યાસ કરતાં તે વ્યક્તિને જાણવા મળ્યું હતું કે, તે પેમ્ફલેટમાં હિંદુ ધર્મની લાગણી દુભાવનારું લખાણ છે. તેનું મથાળું ‘માંસાહાર ધર્મ અને પ્રકૃતિની દ્રષ્ટિએ’ હતું. જેમાં ગૌહત્યા, ગૌમાંસ ભક્ષણ અને મુસ્લિમો શું કરે છે, તે વિષય પર લખાણ લખવામાં આવ્યું હતું. 18 પાનાંના આ પેમ્ફલેટમાં દરેક વાતો ધર્મ વિરુદ્ધ અને હિંદુઓની આસ્થા અને પવિત્રતાને ભંગ કરનારી હતી.
રામાયણ-મહાભારત, ઉપનિષદ, પુરાણો અને મનુસ્મૃતિના શ્લોકોનું ખોટું અર્થઘટન
આ પેમ્ફલેટમાં હિંદુ ધર્મના મહાન ગ્રંથો મહાભારત, રામાયણ, મનુસ્મૃતિ, ઉપનિષદ અને પુરાણોના સંસ્કૃત શ્લોકોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. જે ઈરાદાપૂર્વક જ કરવામાં આવ્યું હોવાનું પણ જાણી શકાય છે. તેમાં હિંદુ ધર્મના શાસ્ત્રો મુજબ, ગૌહત્યા અને ગૌમાંસને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરીને સામાન્ય લોકોને ગુમરાહ કરવાનું કાવતરું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. આ ઉપરાંત તેમાં ‘ગૌહત્યા અને માંસભક્ષણ- હિંદુ સમાજ’ જેવા મુદ્દા સાથે હિંદુ ધર્મની લાગણીનું અપમાન પણ કરવામાં આવ્યું હતું.
હિંદુ ધર્મના મહાન ગ્રંથોના શ્લોકોનું ખોટુ અર્થઘટન કરી ગૌ-માંસ ખાવાની દુષ્કરણ કરી હિંદુ ધર્મની લાગણીને ઠેષ પહોંચાડતુ લખાણ લખી પેમ્પલેટ બનાવીને પ્રસિધ્ધ કરતા મુસ્લીમ મુક્તીની ધરપકડ કરતી ભરૂચ રૂરલ પોલીસ @GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh pic.twitter.com/snUni7LHfW
— SP Bharuch (@BharuchPolice) August 3, 2024
ત્યારબાદ તે હિંદુ વ્યક્તિએ ભરૂચ તાલુકા પોલીસનો સંપર્ક કર્યો હતો અને ઘટના વિશે વિગતે જણાવ્યું હતું. તેમણે પોલીસને પણ તે પેમ્ફલેટ આપ્યું હતું. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, કંથારીયામાં જ ટીપુ સુલતાન કોલોનીમાં રહેલા અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ મુફ્તી નામના શખ્સે આ પેમ્ફલેટ લખ્યું હતું અને છપાવ્યું હતું. ત્યારબાદ ભરૂચ તાલુકા પોલીસે આરોપી અબ્દુલની તાત્કાલિક ધરપકડ કરી હતી.
હિંદુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી બદલ અન્ય ત્રણની પણ ધરપકડ
આ સાથે જ હિંદુઓની લાગણી દુભાવતી અન્ય એક ઘટના પણ ભરૂચથી સામે આવી હતી. અહીં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ગ્રુપમાં મોહમ્મદ વાહીદ સાજિદહુસૈન, મોહમ્મદ હસન સુલેહબાબા શેખ તેમજ મિર્ઝા મોહમ્મદ સાની મોહમ્મદ યુસુફ શેખ નામના ત્રણ શખ્સોએ વાતચીત દરમિયાન હિંદુ ધર્મના આરાધ્ય દેવી-દેવતાઓ વિશે અભદ્ર ભાષાનો શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેની ચેટના સ્ક્રીનશૉટ વાયરલ થયા બાદ આ ઘટના સામે આવી હતી. એક હિંદુ વ્યક્તિએ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઘટના વિશે જાણ કર્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
PI વીબી બારડે મામલામાં તપાસ હાથ ધરી હતી. LCBના PI એમપી વાળા તેમજ તેમની ટીમે પણ આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ આ ઘટના વિશે વધુ તપાસ હાથ ધરીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ત્રણેય આરોપીઓ વિશેની માહિતી એકત્ર કરવામાં આવી હતી. તે પછી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધનીય છે કે, ભરૂચમાં જ તાજેતરમાં ઈદ દરમિયાન સોશિયલ મીડિયા પર એક પત્રિકા વાયરલ થઈ હતી, જે ભરૂચની ઇસ્લામિક સંસ્થા દારુલ ઉલુમ બરકાતે ખ્વાજા દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ પત્રિકામાં અન્ય જાનવરો સાથે ગાયની કતલ કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને લઈને રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટના બાદ જવાબદાર મૌલવીની ધરપકડ પણ કરવામાં આવી હતી.