વૉટબેન્કને ખુશ કરવા માટે માથે ગોળ ટોપી પહેરીને, શાલ ઓઢીને ઇફ્તાર પાર્ટી કરી શકાય અને જાહેર મંચ પરથી દેશનાં સંસાધનો પર પહેલો હક મુસ્લિમો કે લઘુમતીઓનો છે તેમ કહી શકાય એવું ભૂતકાળના વડાપ્રધાનો શીખવી ગયા. ભગવા વસ્ત્રો પહેરીને, હાથમાં માળા લઈને, હિંદુ મંદિરે જઈને ભગવાનની પૂજા-અર્ચના કરી ધર્મ-સંસ્કૃતિનું માન-સન્માન વધારી શકાય એવું વડાપ્રધાન મોદી શીખવી રહ્યા છે. બાકીના 13 વડાપ્રધાનો અને મોદીમાં મૂળ ફેર શું? તો આ કહ્યો.
લોકસભા ચૂંટણીના લગભગ દોઢ મહિના દરમિયાન એકધારી 200 રેલીઓ, મોટી સંખ્યામાં રોડ શો, દેશની લગભગ તમામ ભાષાનાં તમામ પ્રકારનાં પ્રકાશનોને 80 જેટલાં ઈન્ટરવ્યુ, આવો જબરદસ્ત અને ઐતિહાસિક પ્રચાર પૂર્ણ કરીને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી પહોંચ્યા છે. અહીં 1 જૂન સુધી ધ્યાન ધરશે. લગભગ 45 કલાક તેઓ ધ્યાન-સાધના કરશે એમ કહેવાય છે.
આજે કન્યાકુમારીથી અમુક તસવીરો આવી. વડાપ્રધાન મોદી સૂર્યદેવને જળ અર્પણ કરતા, દરિયાકાંઠે વિચરણ કરતા અને ધ્યાનમગ્ન અવસ્થામાં સાધના કરતા જોવા મળે છે. ભગવાં વસ્ત્રો પહેર્યાં છે, હાથમાં માળા છે. કોઇ યોગી, કોઇ સાધુપુરુષ બેઠા હોય તેવું લાગ્યા વગર રહે નહીં. એ યાદ રહે કે આપણે જે વ્યક્તિને જોઈ રહ્યા છે તે એ સેક્યુલર દેશના વડા છે, જ્યાં ભૂતકાળમાં તેમના પહેલાં થઈ ગયેલા પ્રધાનમંત્રીઓ મંદિરે જતાં પણ ખચકાતા હતા.
પરંતુ આજે સમય બદલાયો છે. ભારતના વડાપ્રધાન કોઇ છોછ અનુભવ્યા વગર ભગવો પહેરીને, માથે ત્રિપુંડ તિલક લગાવીને, ભભૂત ચોપડીને મંદિરે જઈને એટલી જ શ્રદ્ધાથી ભગવાનની પૂજા-અર્ચના કરે છે, જેટલી શ્રદ્ધાથી આપણે ભગવાનની આરાધના કરીએ છીએ. વિશ્વની સૌથી મોટી લોકશાહીના વડા આજે મંદિરોમાં જઈને પોતાના ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારોનું પ્રદર્શન કરતાં લેશમાત્ર ખચકાટ અનુભવતા નથી અને પોતાના આચરણ થકી દેશને સંદેશ પણ આપે છે.
More pictures of PM Modi from Kanyakumari pic.twitter.com/koF3HQzWvj
— Aman Sharma (@AmanKayamHai_) May 31, 2024
આજે દેશનો વડો અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં જઈને 140 કરોડ ભારતીયો વતી પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાનને નિજમંદિરમાં બિરાજમાન કરીને કરોડો હિંદુઓનું સદીઓ જૂનું સ્વપ્ન સાકાર કરી શકે છે. એ સ્વપ્ન જેને સાકાર કરવા માટે પેઢીઓ ખપી ગઈ. આ બધી નાનીસૂની બાબતો નથી. આ ગર્વ લેવા જેવી બાબત છે દરેક રાષ્ટ્રપ્રેમી અને ધર્મપ્રેમીઓએ.
નરેન્દ્ર મોદીએ પહેલી વખત સાબિત કર્યું છે કે તમારે મત મેળવવા માટે સેક્યુલર નાટકો કરવાની જરૂર પડતી નથી અને પોતાના ધર્મને વળગી રહીને પણ સત્તા પર અજેય રહી શકાય છે. મોદીનું હિંદુત્વ એ જ સાચું હિંદુત્વ છે અને વ્યાખ્યાની રીતે જોશો તો આ જ સાચી પંથનિરપેક્ષતા કે અંગ્રેજીમાં જેને સેક્યુલરિઝમ કહે છે તે પણ છે. મોદી સત્તાની ખુરશી પરથી સૌને સમાન ગણે છે, પણ સાથોસાથ પોતાના ધર્મને છોડતા નથી અને મત લેવા માટે કોઇ સમુદાય વિશેષને વહાલા થવાના પ્રયાસો પણ કરતા નથી. ભારતને આવા જ શાસકની જરૂર હતી, જે નરેન્દ્ર મોદીના સ્વરૂપમાં મળ્યા.
મોદીનાં ધ્યાન-સાધના પર પણ સવાલ ઉઠાવીને તેનો વિરોધ કરનારા વિપક્ષો અને તેમના મળતિયા બાલિશ અને મૂરખ દેખાઈ રહ્યા છે. જો જરા સરખી પણ બુદ્ધિ ચાલતી હોય તો હારની હતાશા અને મોદીદ્વેષમાં બેફામ થઈ જતા વિરોધીઓ અને તેમની ટોળકી મૌન રહે તેમાં જ તેમની ભલાઈ છે. મોદી કંઈ પણ કરે એટલે તેનો વિરોધ કરવા કૂદી પાડનારાઓ આ બાબતમાં પણ વિરોધ કરે તો ભૂંડા લાગે છે. તેમની કન્યાકુમારી યાત્રા પર પ્રશ્નો ઉઠાવીને આ ટોળકીએ ફરી એક સેલ્ફગોલ કરી દીધો છે અને પોતાની હિંદુવિરોધીની છાપને વધુ ઘેરી બનાવી દીધી છે.
જે દેશમાં દાયકાઓ સુધી રાજકારણીઓએ એક બહુ મોટા વર્ગને બિલકુલ અવગણીને વૉટબેન્ક ખાતર અન્ય સમુદાયોને જ કારણ વગર પંપાળ્યા કર્યા હોય અને પેલા વર્ગ સાથે અન્યાય કર્યો હોય, જેમના ધર્મ અને સંસ્કૃતિને પોતાના ગંદા પગ તળે કચડવાના તમામ પ્રયાસો થયા હોય, જેઓ પોતાના જ ધર્મ પ્રત્યે અપરાધભાવ અનુભવે અને આખરે તેને છોડી દે તેવા પ્રયાસો થયા હોય તેમના માટે આવો નાયક મળવો એ એક આશીર્વાદથી વિશેષ કશું જ નથી.
વાંકદેખાઓ ભલે કહેતા હોય કે મોદી આ બધું મત માટે કરે છે કે આ ડ્રામા છે. જેઓ ધર્મપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી છે તેમના માટે વડાપ્રધાનને ભગવા વસ્ત્રોમાં, હાથમાં માળા લઈને ધ્યાન કરતા જોવા કે કોઈ મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરતા જોવા એ ઉજ્જવળ ભવિષ્ય માટે એક બહુ મોટી આશા બંધાઈ છે. એટલે તેઓ કાયમ આવા વ્યક્તિ પર ગર્વ કરતા રહેવાના.
સનાતન સભ્યતા અહીં આદિ-અનાદિ કાળથી છે અને અનંતકાળ સુધી રહેશે. ભૂતકાળમાં આટલાં આક્રમણો થયાં અને આટલી હાડમારીઓ ભોગવી, ગુલામી વેઠી અને મંદિરો તૂટતાં જોયાં, નરસંહાર ભોગવ્યા, પણ આ સભ્યતા હજુ પણ યથાવત છે અને લાખ મુસીબતો પછી પણ ફરીથી જાગ્રત થઈને એ બધું જ પરત મેળવ્યું છે, જે ગુમાવ્યું હતું. પરંતુ તેને સમયે-સમયે જરૂર પડે છે ચેતનાની, જેને પુનઃજાગૃત કરવા માટે નાયકોની જરૂર પડે છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીએ આ ચેતના ફરી જગાવવાનું જે પુણ્યકાર્ય કર્યું છે, તે માટે વિશ્વભરના હિંદુઓ અને સનાતનીઓ કાયમ માટે તેમના ઋણી રહેશે.