Sunday, June 16, 2024
More
    હોમપેજદેશહિંદુ શોભાયાત્રા પર હુમલાના 18 આરોપીઓને રાજસ્થાન હાઈકોર્ટે આપ્યા જામીન, જસ્ટિસ ફરજંદ...

    હિંદુ શોભાયાત્રા પર હુમલાના 18 આરોપીઓને રાજસ્થાન હાઈકોર્ટે આપ્યા જામીન, જસ્ટિસ ફરજંદ અલીએ કહ્યું- ટોળાનો કોઇ ધર્મ નથી હોતો

    જજે ચુકાદામાં કહ્યું કે, “આરોપીઓને જેલમાં રાખવાથી બીજો કોઈ હેતુ સર થશે નહીં. જેથી કેસનાં તથ્યો અને સંજોગોને જોતાં તેમને જામીન આપવા યોગ્ય અને ન્યાયોચિત જણાય છે.”

    - Advertisement -

    રાજસ્થાન હાઈકોર્ટે ચિત્તોડગઢમાં હિંદુ શોભાયાત્રા પર થયેલા હુમલાના 18 આરોપીઓને જામીન આપ્યા છે. સાથે કોર્ટે કહ્યું કે, કોઇ ટોળાનો ધર્મ હોતો નથી. જસ્ટિસ ફરજંદ અલીએ આ ચુકાદો આપ્યો. હુમલાની આ ઘટના ગત 19 માર્ચ, 2024ના રોજ રાજસ્થાનના ચિત્તોડગઢમાં બની હતી, જેમાં અનેકને ઈજા પહોંચી હતી તો એક હિન્દુ વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું. 

    કોર્ટે 18 આરોપીઓને જામીન આપતાં નોંધ્યું કે બે સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું હતું અને જેના કારણે ધાર્મિક ભાવનાઓને ઠેસ પણ પહોંચી હશે. પરંતુ આ શાંતિભંગ કઈ રીતે થયો અને કોણે કોને ઈજા પહોંચાડી હશે તે તારણ પર પહોંચવું ઘણું કઠિન છે. જજે એમ પણ કહ્યું કે, નિર્દોષ વ્યક્તિઓમાંથી ગુનેગારોને અલગ કરવા બહુ કઠિન છે. 

    કોર્ટે ટિપ્પણીમાં કહ્યું, “ટોળાંનો કોઈ ધર્મ હોતો નથી. જ્યારે મોટી સંખ્યામાં લોકો પર કોઇ ગુનો આચરવાનો આરોપ લાગે ત્યારે નિર્દોષ વ્યક્તિઓ અને સાચા ગુનેગારો વચ્ચે ફેર કરવાનો કામ ઘણું કઠિન બની જાય છે. સામાન્ય રીતે જ્યારે કોઇ વિસ્તારમાં કશુંક અવાજ થાય ત્યારે લોકો ભેગા થઈ જતા હોય છે. તેમાંથી ઘણા ઉત્સુકતા સાથે આવે, ઘણા ડર સાથે અને ઘણા એ જોવા માટે કે ખરેખર શું બની રહ્યું છે. આ પ્રકારની વ્યવસ્થા સર્જાય ત્યારે ઘણી વખત ગુનેગારો ભાગી છૂટતા હોય છે અને માત્ર જેઓ જગ્યા પર હાજર હોય અને જોતા હોય તેઓ આરોપી બની જાય તેવું પણ બની શકે.” આ ચુકાદો 20 મેના રોજ આપવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    ચુકાદામાં કોર્ટે એમ પણ કહ્યું કે, એવું પણ બની શકે કે જે વ્યક્તિનું મૃત્યુ થયું તે હાર્ટઅટેકના કારણે મૃત્યુ પામ્યો હોય, ઘર્ષણ દરમિયાન થયેલી ઇજાના કારણે નહીં. એમ પણ કહ્યું કે, મૃતકને માત્ર ઘૂંટણ પર નાની ઈજા થઈ હોવાનું નોંધાયું છે અને ઘૂંટણ પર થયેલી ઈજા મૃત્યુનું કારણ બની શકે નહીં. સાથે એવું પણ નોંધવામાં આવ્યું કે આરોપીઓ ઘણા સમયથી જેલમાં છે અને તેમની વિરુદ્ધ ટ્રાયલ કદાચ જલ્દી પૂર્ણ પણ થશે નહીં. 

    જજે ચુકાદામાં કહ્યું કે, “આરોપીઓને જેલમાં રાખવાથી બીજો કોઈ હેતુ સર થશે નહીં. જેથી કેસનાં તથ્યો અને સંજોગોને જોતાં તેમને જામીન આપવા યોગ્ય અને ન્યાયોચિત જણાય છે.”

    શું છે કેસ? 

    આ ઘટના ગત 19 માર્ચના રોજ બની હતી. ચિત્તોડગઢમાં ભગવાન ચારભુજા નાથની શોભાયાત્રા પર ઇસ્લામી ટોળાએ હુમલો કરી દીધો હતો. જ્યારે યાત્રા મુસ્લિમ બહુલ વિસ્તારમાં પહોંચી ત્યારે પહેલાં તેમણે વિરોધ કર્યા બાદ શોભાયાત્રામાં સામેલ લોકો પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ પથ્થરમારો પણ થયો અને અમુક દુકાનો અને વાહનોમાં આગચંપી પણ કરવામાં આવી. આ મામલે 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 

    આ ઘટનામાં એક 55 વર્ષીય વ્યક્તિ શ્યામલાલ છીપાનું મૃત્યુ થયું હતું અને ડઝનેક લોકોને ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. શ્યામલાલને પણ હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓ બચી ન શક્યા. જે સ્થળે ઘટના બની ત્યાં તેમની દુકાન હતી. 

    પૂર્વનિયોજીત હુમલો કરવાના ગુનામાં પકડાયેલા 18 આરોપીઓએ ત્યારબાદ ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, પરંતુ રદ કરી દેવામાં આવી. ત્યારબાદ તેઓ હાઇકોર્ટ પહોંચ્યા હતા. હાઈકોર્ટે તેમને રાહત આપી છે. તેમની સામે હત્યા (IPC 302) અને ST-SC એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં