Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ મોદીની યાત્રા પહેલા કાશ્મીરમાં સેના સક્રિય : જવાનોએ એનકાઉન્ટરમાં 2 પાકિસ્તાની...

    પીએમ મોદીની યાત્રા પહેલા કાશ્મીરમાં સેના સક્રિય : જવાનોએ એનકાઉન્ટરમાં 2 પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર કર્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાશ્મીર મુલાકાત અગાઉ ફરીથી અહીં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે અને આથી તેમની સુરક્ષા વધુ મજબુત બનાવવામાં આવી છે.

    - Advertisement -

    રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરની યાત્રા કરવા જઈ રહ્યા છે ત્યારે એક તરફ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે તો બીજી તરફ આતંકવાદી હુમલાઓ સતત ચાલુ જ છે. શનિવારે ફરી એકવાર આતંકવાદીઓએ માથું ઉંચકતા સુરક્ષાબળોના જવાનોએ બે આતંકવાદીઓ ઠાર કરી દીધા હતા.

    કાશ્મીર રેંજના પોલીસ મહાનિરીક્ષકે એનકાઉન્ટરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હોવાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે હાલ ઓપરેશન ચાલી રહ્યું છે. અહીં નોંધનીય છે કે આ ઘટના એવા સમયે બની છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંબામાં પલ્લી પંચાયતની મુલાકાત લેવા જઈ રહ્યા છે, જેના કારણે સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

    એક દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષા બળો સાથે ચાલેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા હતા. જેમાં આતંકવાદી સંગઠનનો કમાન્ડર આતંકવાદી યુસુફ કાંતરુ સહિત બે આતંકવાદીઓ બુધવારે જ્યારે અન્ય એક આતંકવાદી શુક્રવારે માર્યો ગયો હતો.

    - Advertisement -

    પોલીસે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ યુસુફ ડાર, હિલાલ શેખ અને ફૈઝલ ડાર તરીકે કરી છે. અથડામણના સ્થળેથી સુરક્ષાબળોને હથિયાર અને વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા. પોલીસ અનુસાર, માર્યો ગયેલો આતંકવાદી કાંતરૂ સુરક્ષાબળના અનેક કર્મીઓ તેમજ નાગરિકોની હત્યામાં પણ સામેલ હતો. તે કાશ્મીર ખીણના 10 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાં સામેલ હતો. કાંતરુ વર્ષ 2005 માં હિજબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો અને તેને 2005 માં પકડવામાં પણ આવ્યો હતો.

    આવતીકાલે પીએમ કાશ્મીરમાં, સંમેલનમાં ભાગ લેશે, વિકાસકાર્યોનાં લોકાર્પણ-શિલાન્યાસ કરશે

    આવતીકાલે 24 એપ્રિલના રોજ પંચાયતી રાજ દિવસે દક્ષિણ કાશ્મીરના સાંબા જિલ્લાના સ્થાનિક પંચાયતોના પ્રતિનિધિઓના સંમેલનને સંબોધિત કરશે. આ ઉપરાંત દેશભરમાંથી વિવિધ પંચાયતોના સભ્યો વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાનનું સંબોધન સાંભળશે.

    આ ઉપરાંત, વડાપ્રધાન કાશ્મીરમાં કેટલાક વિકાસકાર્યોનાં લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન કાશ્મીરના બનીહાલથી કાઝીગુંડ વચ્ચે બનાવવામાં આવેલી ટનલનું ઉદ્ઘાટન પણ કરશે. 3100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી 8.45 કિલોમીટર લાંબી આ ટનલ બંને શહેરો વચ્ચેનું અંતર ઘટાડી દેશે અને તમામ પ્રકારની ઋતુઓમાં મુસાફરો માટે આવનજાવન સરળ રહેશે. વધુમાં, વડાપ્રધાન દિલ્હી-અમૃતસર-કાતરા હાઈ-વેનું ખાતમહુર્ત પણ કરશે. જે 7500 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.

    હજી બે દિવસ અગાઉ પણ કાશ્મીરના સુન્જાવન વિસ્તારમાં સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા જ્યારે એક જવાન વીરગતિને પ્રાપ્ત થયો હતો.

    આવતીકાલે મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના મુંબઈમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યાં તેમને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ સ્વર્ગીય ગાયિકા ભારતરત્ન લતા મંગેશકરના પરિવાર દ્વારા આપવામાં આવે છે અને પીએમ મોદી આ પુરસ્કાર મેળવનારા પ્રથમ વ્યક્તિ હશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં