Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅગ્નિપથ યોજનાના સમર્થનમાં ટાટા સમૂહ, કહ્યું- યોજના યુવાનોને મોટી તકો પૂરી પાડશે,...

    અગ્નિપથ યોજનાના સમર્થનમાં ટાટા સમૂહ, કહ્યું- યોજના યુવાનોને મોટી તકો પૂરી પાડશે, યુવાનો માટે દ્વાર ખોલ્યા

    યોજના જાહેર થયા બાદ બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં તેનો વિરોધ જોવા મળ્યો છે. કેટલીક જગ્યાએ વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ટ્રેન પણ સળગાવવામાં આવી હતી. 

    - Advertisement -

    ઉદ્યોગસમૂહ ટાટા સન્સે કેન્દ્ર સરકારની નવી અગ્નિપથ યોજનાનું સમર્થન કર્યું છે. ટાટા સમૂહના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું કે આ યોજના યુવાનો માટે સુરક્ષાબળોમાં રહી સેવા કરવાનો અવસર પૂરો પાડશે તેમજ ટાટા સમૂહ જેવા ઉદ્યોગો માટે તાલીમબદ્ધ અને અનુશાસિત કર્મચારીવર્ગ પણ પૂરો પાડશે. 

    એક નિવેદનમાં ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું કે, “અગ્નિપથ દેશના સુરક્ષાબળોમાં સેવા આપવા માટે યુવાનોને મોટી તકો પૂરી પાડશે, તેમજ તેનાથી ટાટા સમૂહ સહિતના ઉદ્યોગોને પણ તાલીમબદ્ધ અને અનુશાસિત કર્મચારીઓ પણ મળશે.” તેમણે કહ્યું કે તેઓ અગ્નિવીરોની ક્ષમતાથી અવગત છે અને તેમને તકો પૂરી પાડવા માટે તેમનું સ્વાગત કરે છે. 

    આ સાથે તેમનું નામ અગ્નિપથ યોજનાનું સમર્થન કરનાર દેશના મોટા ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ થયું છે. આ પહેલાં મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રા, RPG ગ્રુપના હર્ષ ગોયેન્કા, બાયોકોન લિમિટેડના ચેરપર્સન કિરણ મજમુદાર અને અપોલો હોસ્પિટલ્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર સંગીતા રેડ્ડી વગેરે જેવા લોકો આ યોજનાને સમર્થન આપી ચૂક્યા છે. 

    - Advertisement -

    આ પહેલાં આનંદ મહિન્દ્રાએ અગ્નિપથ યોજનાને લઈને દેશમાં થઇ રહેલી હિંસાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “અગ્નિપથ યોજનાના એલાન બાદ જે રીતે હિંસા થઇ રહી છે તેનાથી દુઃખી અને નિરાશ છું. ગયા વર્ષે જ્યારે આ યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે અગ્નિવીરોને જે શિસ્ત અને કૌશલ્ય મળશે એ તેમને રોજગાર માટે વધુ કાબેલ બનાવશે. મહિન્દ્રા ગ્રુપ આ પ્રકારના પ્રશિક્ષિત અને સક્ષમ યુવાનોને ભરતી કરી તેમને તકો આપશે.”

    જે બાદ RPG ગ્રુપના હર્ષ ગોયેન્કાએ પણ આનંદ મહિન્દ્રાના ટ્વિટને શેર કરીને મત વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ પણ પોતાના સમૂહની કંપનીઓએ અગ્નિવીરોને રોજગાર માટેની તકો પૂરી પાડશે. જે બાદ કિરણ મજમુદાર અને સંગીતા રેડ્ડીએ પણ આ નવી યોજનાનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે આ યોજના યુવાનોને શિસ્તબદ્ધ અને રોજગાર માટે વધુ યોગ્ય બનાવશે. 

    ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 15 જૂનના રોજ અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ 17.5 થી 21 વર્ષ સુધીના યુવાનો સેનામાં ભરતી થઇ સેવા આપી શકશે. જોકે, આ વર્ષ માટે સરકારે મહત્તમ વયમર્યાદા વધારીને 23 વર્ષ કરી છે. બે વર્ષથી કોરોનાના કારણે ભરતી ન થવાના કારણે સરકારે છૂટ આપી છે. 

    અગ્નિવીરોનો ચાર વર્ષનો કાર્યકાળ સમાપ્ત થઇ ગયા બાદ તેઓ સ્વેચ્છાએ અરજી કરી શકશે અને તે બેચમાંથી 25 ટકાની ભરતી સેનાની મુખ્ય કેડરમાં કરવામાં આવશે. આ ભરતી જે-તે અગ્નિવીરની ક્ષમતા અને તે વર્ષની જરૂરિયાતના આધારે કરવામાં આવશે.

    જોકે, યોજના જાહેર થયા બાદ બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં તેનો વિરોધ જોવા મળ્યો છે. કેટલીક જગ્યાએ વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ટ્રેન પણ સળગાવવામાં આવી હતી. 

    બીજી તરફ, ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ સંજોગોમાં આ યોજના પરત ખેંચવામાં આવશે નહીં. તેમજ સેનાએ એલાન કરતા કહ્યું છે કે જે કોઈ પણ યુવાન હિંસક પ્રદર્શનમાં સામેલ થશે તેને અગ્નિપથ યોજનામાં સામેલ કરવામાં આવશે નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં