સુરતના (Surat) અડાજણમાં એક મુસ્લિમ વેપારીએ હિંદુ નામ ધારણ કરીને મહિલાને ફસાવી હોવાની ફરિયાદ રાંદેર પોલીસના ચોપડે નોંધાઈ છે. હિંદુ મહિલાની ફરિયાદ છે કે યુસુફ મંડપવાલા નામના આ ઇસમે 24 વર્ષ પહેલાં તેને ફસાવી હતી અને શોષણ કર્યું હતું. ફરિયાદમાં યુસુફની પત્નીનું પણ નામ છે. કેસ નોંધાયા બાદથી બંને આરોપીઓ ફરાર છે.
મહિલા વ્યવસાયે વકીલ છે. રાંદેર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેણે જણાવ્યું કે, વર્ષ 2000માં કોલેજમાં અભ્યાસ કરતી વખતે તેની મિત્રતા યુસુફ મંડપવાલા સાથે થઈ હતી. તેનો આરોપ છે કે યુસુફે પોતાની ઓળખ કમલસિંહ તરીકે આપી હતી. ત્યારબાદ બંને અવારનવાર મળતાં હતાં અને શારીરિક સંબંધો પણ બંધાયા હતા. દરમ્યાન એક વખત મહિલાને ગર્ભ પણ રહી ગયો હતો, જેનો પરિવારની જાણ બહાર જ ગર્ભપાત કરાવી દીધો હતો. ત્યારબાદ યુસુફે પોતાના સમુદાયની જ એક મહિલા સાથે નિકાહ કરી લીધા હતા.
આરોપ છે કે ત્યારબાદ પણ યુસુફે અવારનવાર લગ્નની લાલચ આપીને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પછીથી યુસુફે મહિલાના નામે એક મોપેડ ખરીદ્યું હતું અને તેના હપ્તા પીડિત મહિલા ભરતી હતી. થોડા સમય પહેલાં તે યુસુફના ઘરે ગઈ હતી અને મોપેડ પોતાના નામે કરી આપવા માટે કહ્યું હતું. તેનો આરોપ છે કે ત્યાં યુસુફ અને તેની પત્નીએ તેની સાથે મારામારી કરીને ધમકી આપી હતી.
ત્યારબાદ મહિલાએ રાંદેર પોલીસ મથકે જઈને યુસુફ અને તેની પત્ની હબીબા સામે રેપ અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. બીજી તરફ, ગુનો નોંધાયા બાદ યુસુફે સ્થાનિક કોર્ટમાં અરજી કરીને આગોતરા જામીનની માંગ કરી હતી, પણ કોર્ટે તે ફગાવી દીધી. જેથી હાલ તે પત્ની સાથે ફરાર ચાલી રહ્યો છે. પોલીસ તેને શોધી રહી છે. તપાસમાં એ પણ જાણવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે યુસુફે આ રીતે અન્ય હિંદુ મહિલાઓને ફસાવી છે કે કેમ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલાએ જણાવ્યું કે ત્રણ-ચાર વર્ષ પહેલાં તેને યુસુફનું એક આઈડી કાર્ડ મળ્યું હતું, જેમાં નામ કમલસિંહ નહીં પણ યુસુફ હતું. ત્યારબાદ તેને જાણ થઈ હતી કે યુસુફ વાસ્તવમાં મુસ્લિમ છે.