ડિસેમ્બર, 2019માં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાઓ (CAA) પસાર કર્યા બાદ દેશભરમાં જે વિરોધ-પ્રદર્શનો થયાં અને તેની આડમાં જે હિંસા કરવામાં આવી, તેમાં શરજીલ ઇમામ (Sharjeel Imam) નામના એક ઈસમનું નામ ખુલ્યું હતું. એક ઠેકાણે ભાષણ આપતાં તેણે ઉત્તર-પૂર્વને બાકીના દેશ સાથે જોડતા ‘ચિકન નેક’ નામના વિસ્તારને કબજે કરવા માટે મુસ્લિમોને ઉશ્કેર્યા હતા. હાલ તે જેલમાં બંધ છે. હવે સમાચાર મળી રહ્યા છે કે તેની બહેન ફરહા નિશાતે ન્યાયિક સેવા પાસ કરી લીધી છે.
જાણકારી સોશિયલ મીડિયા પર શરજીલ ઇમામના ભાઈ મુજમ્મિલ ઇમામે આપી છે. તેણે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, “જીવનની આ જ ફિલસૂફી છે. એક તરફ ભાઈ જુલમ વિરુદ્ધ ન્યાયની લડાઈ લડવા ખાતર જેલમાં બંધ છે તો બીજી તરફ બેન જુલમ વિરુદ્ધ ન્યાય અપાવવા માટે હવે જજની ખુરશી પર બેસશે.”
આગળ તેણે લખ્યું કે, “નાની બહેન ફરહા નિશાતે 32ની બિહાર ન્યાયિક સેવા પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને આજે ભાઈને ગર્વ કરવાની તક આપી છે. મને આશા છે કે પોતાના કાર્યકાળ દરમિયાન તું પોતાના નિર્ણયોથી કોઈ પણ નિર્દોષ સાથે જુલમ નહીં થવા દે. અલ્લાહ તેને હિંમત અને તાકાત આપે.”
આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર શરજિલના સમર્થક આ જાણકારીને આગળ વધારી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે શરજીલની બહેન હવે જજ બની ગઈ છે.
અમે જ્યારે BPSCની વેબસાઈટ પર પરીક્ષાનાં પરિણામો જોયાં તો યાદીમાં 124570 નંબર પર ફરહા નિશાતનું નામ મળ્યું. હવે આ મહિલા શરજીલ ઇમામની બહેન જ છે તેની સત્તાવાર કે સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ સોશિયલ મીડિયા અને અમુક મીડિયા રિપોર્ટ્સમાં દાવો તો એવો જ કરવામાં આવી રહ્યો છે કે તે શરજીલ ઇમામની બહેન છે.
નોંધવું જોઈએ કે વર્ષ 2019-20માં શરજીલ સામે CAAવિરોધી પ્રદર્શનો દરમિયાન મુસ્લિમોને ઉશ્કેરવા, તોફાનો ભડકાવવા અને દેશદ્રોહ જેવા ગંભીર આરોપો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસ નોંધાયા બાદ 28 જાન્યુઆરી, 2020ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. તાજેતરમાં જ જામિયા હિંસાના એક કેસમાં તેને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ બાકીના કેસો પણ ચાલતા હોવાથી તે હાલ જેલમાં જ બંધ છે.