Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉદ્ધવનું ઉંબાડિયું કરવા શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે સાથી ધારાસભ્યોને લઈને પહોંચ્યા સુરત;...

    ઉદ્ધવનું ઉંબાડિયું કરવા શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે સાથી ધારાસભ્યોને લઈને પહોંચ્યા સુરત; મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ શરુ

    મહારાષ્ટ્રની શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે પોતાની સાથે 11 ધારાસભ્યોને લઈને સુરત પહોંચ્યા હોવાના સમાચાર છે. આમ હવે ઉદ્ધવ ઠાકરે સરકારની તકલીફો વધી ગઈ છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં (Maharashtra) ફરી એકવાર રાજકીય ઉથલપાથલનો દોર શરૂ થયો છે. ગઈકાલે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે પાંચ બેઠકો કબજે કર્યા બાદ હવે શિવસેનાના પચ્ચીસેક જેટલા ધારાસભ્યો સંપર્કવિહોણા બની ગયા છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યોને લઈને સુરત પહોંચ્યા હોવાના સમાચાર છે. 

    એક રિપોર્ટ અનુસાર, સોમવારે સાંજે સાત વાગ્યે એક ચાર્ટડ ફ્લાઈટ મારફતે આ ધારાસભ્યો સુરત (Surat) પહોંચ્યા હતા. હાલ તેઓ અઠવાલાઇન્સ સ્થિત મેરિડિયન હોટેલમાં રોકાયા છે. વધુમાં સૂત્રો અનુસાર, એકનાથ શિંદે આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી શકે છે. તેમની સાથે 25 જેટલા ધારાસભ્યો હોવાનો અંદાજ છે.

    એક અન્ય રિપોર્ટ અનુસાર, રાત્રે 2 વાગ્યે સુરત કંટ્રોલ રૂમને મેરિડિયન હોટેલ બહાર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તાત્કાલિક બેરિકેડ મૂકી દીધાં હતાં. જે બાદ શિવસેનાના ધારાસભ્યો હોટેલ પહોંચ્યા હતા. હાલ હોટેલમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. 

    - Advertisement -

    એકનાથ શિંદે (Eknath Shinde) સુરત પહોંચતા મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે. બીજી તરફ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે 12 વાગ્યે શિવસેનાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં શિવસેનાના તમામ ધારાસભ્યોને ફરજીયાત હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. ઉપરાંત, એનસીપી નેતા પ્રફુલ પટેલ પાર્ટી પ્રમુખ શરદ પવારને મળવા માટે પહોંચ્યા છે. ઉપરાંત, મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલ પણ આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધવા જઈ રહ્યા છે.

    બીજી તરફ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ આજે સુરતમાં જ હોવાનું કહેવાય છે. તેઓ શિવસેનાના ધારાસભ્યો સાથે મુલાકાત પણ કરી શકે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. ગઈકાલે સાંજે પણ સીઆર પાટીલ અને એકનાથ શિંદેની મુલાકાત થઇ હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. 

    ગત 10 જૂનના રોજ યોજાયેલ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત પ્રદર્શન કર્યા બાદ ગઈકાલે યોજાયેલ વિધાન પરિષદ ચૂંટણી અને તેના પરિણામોએ મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારની ચિંતા વધારી દીધી છે. સંખ્યાબળ ન હોવા છતાં ભાજપના તમામ પાંચ ઉમેદવારોએ જીત મેળવી હતી. 

    રિપોર્ટ્સ અનુસાર, વિધાન પરિષદ ચૂંટણીમાં ભાજપને 20 વધારાના મતો મળ્યા હતા. એટલે કે ક્રોસ વોટિંગ થયું હતું. જો આ 20 ધારાસભ્યો સરકાર સાથે છેડો ફાડે તો સરકાર ઉથલાવવા માટે અન્ય 11 ધારાસભ્યોની જરૂર પડે છે. જો એકનાથ શિંદે સાથે સુરત પહોંચેલા 11 ધારાસભ્યો બળવો કરી દે તો મહારાષ્ટ્ર સરકાર માટે સત્તા ટકાવવી મુશ્કેલ થઇ પડે તેમ છે. 

    જાણવા મળી રહ્યું છે કે આ ક્રોસ વોટીંગમાં શિવસેના નેતા એકનાથ શિંદેનો જ હાથ હતો. હવે તેઓ પોતાની સાથે કેટલાક સમર્થકોને લઈને સુરત પહોંચ્યા છે, જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે અને સીઆર પાટીલ પણ સુરતમાં છે. તેથી આ રાજકીય ખેલ રોમાંચક બન્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં