Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્કર્ષ સમારોહ દરમિયાન ભાવુક થયા પીએમ મોદી, લાભાર્થી અયુબ પટેલને કહ્યું- "દીકરીઓના...

    ઉત્કર્ષ સમારોહ દરમિયાન ભાવુક થયા પીએમ મોદી, લાભાર્થી અયુબ પટેલને કહ્યું- “દીકરીઓના અભ્યાસ માટે જરૂર પડે તો મને કહેજો”

    આજે ઉત્કર્ષ સમારોહ દરમ્યાન ભરૂચના એક વ્યક્તિ સાથે વાત કરતા તેમની પુત્રીની વાત સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા હતા અને શક્ય મદદનું વચન પણ આપ્યું હતું.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (12 મે 2022) ભરૂચ ખાતે આયોજિત ‘ઉત્કર્ષ સમારોહ’માં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને સંબોધન કર્યું હતું ઉપરાંત કેટલાક લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. આ દરમિયાન એક લાભાર્થી અયુબ પટેલ અને તેમની પુત્રી સાથે ચર્ચા કરતી વખતે પીએમ ભાવુક થઇ ગયા હતા.

    સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે યોજાયેલા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરતી વખતે પીએમ ભાવુક થઇ ગયા હતા. એક દિવ્યાંગ લાભાર્થી સાથે વાત કરતી વખતે તેમણે તે વ્યક્તિની પુત્રીને ડોક્ટર બનાવવા માટેનું સપનું સાકાર કરવામાં મદદ કરવાનું વચન પણ આપ્યું હતું.

    કાર્યક્રમ દરમિયાન લાભાર્થી અયુબ પટેલ સાથે વાતચીત કરતા પીએમ મોદીએ તેમને તેમની પુત્રીઓના અભ્યાસ અંગે પૂછ્યું હતું. જે બાદ જાણકારી આપતા અયુબ પટેલે જણાવ્યું હતું કે, તેમની એક પુત્રીને RTE હેઠળ એડમિશન મળ્યું હોવાથી તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે. જ્યારે બાકીની બંને પુત્રીઓના અભ્યાસ અંગે વડાપ્રધાને પૂછતાં તેમણે કહ્યું કે, “જ્યારથી તમે સરકારમાં આવ્યા છો ત્યારથી એ બંનેને પણ શિષ્યવૃત્તિ મળી રહી છે.”

    - Advertisement -

    જે બાદ વડાપ્રધાને તેમની પુત્રીઓ આગળ શું અભ્યાસ કરવા માંગે છે તેમ પૂછતા અયુબ પટેલે કહ્યું હતું કે, તેમની મોટી પુત્રીનું આજે જ પરિણામ આવ્યું છે અને તે ડોક્ટર બનવા માંગે છે. જે બાદ બાજુમાં ઉભેલી તેમની પુત્રી સાથે પણ પીએમએ સંવાદ કર્યો હતો. પરંતુ આ દરમિયાન અયુબ પટેલની પુત્રીએ ભાવુક થઈને કહ્યું હતું કે, તે તેના પિતાની તકલીફના કારણે ડોક્ટર બનવા માંગે છે.

    આ સાંભળીને વડાપ્રધાન પણ ભાવુક થઇ ગયા હતા અને થોડી ક્ષણો મૌન રહ્યા હતા. વડાપ્રધાને અયુબ પટેલને કહ્યું હતું કે, “પુત્રીઓના સપનાં પૂરાં કરવાના પ્રયત્નો કરજો અને કંઇક તકલીફ પડે તો મને પણ જણાવજો.” જે બાદ વડાપ્રધાને અયુબ પટેલ સાથે રસીકરણ અને ઇદના તહેવારને લઈને પણ ચર્ચા કરી હતી.

    ઉપરાંત, કાર્યક્રમમાં સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, આજનો આ ઉત્કર્ષ સમારોહ એ વાતની સાબિતી છે કે જ્યારે સરકાર ઈમાનદારીથી એક સંકલ્પ લઈને લાભાર્થી સુધી પહોંચાડે ત્યારે કેટલા સાર્થક પરિણામો મળે છે. હું ભરૂચ જિલ્લા તંત્રને અને ગુજરાત સરકારને સામાજિક સુરક્ષા સાથે સબંધિત ચાર યોજનાઓના સો ટકા અમલ માટે અભિનંદન પાઠવું છું.

    વડાપ્રધાને બુધવારે ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુરુવારે સવારે તેઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉત્કર્ષ સમારોહને સંબોધિત કરશે. વધુમાં જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે, વિધવાઓ, વૃદ્ધો અને નિરાશ્રિત નાગરિકોને મદદ પૂરી પાડવા માટેની યોજનાઓનું સંપૂર્ણ કવરેજ કરવા માટે ભરૂચ જિલ્લા તંત્રે આ વર્ષે પહેલી જાન્યુઆરીથી 31 માર્ચ સુધી ‘ઉત્કર્ષ પહેલ’ અભિયાન ચલાવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં