Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની સમિતિએ સોંપ્યો રિપોર્ટ: તપાસવામાં આવેલ ઉપકરણોમાં સ્પાયવેરનો ઉપયોગ...

    પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની સમિતિએ સોંપ્યો રિપોર્ટ: તપાસવામાં આવેલ ઉપકરણોમાં સ્પાયવેરનો ઉપયોગ થયો હોવાના કોઈ પુરાવા ન મળ્યા: રિપોર્ટ

    પેગાસસ સ્પાયવેર થકી જાસૂસીના આરોપો લાગતાં સુપ્રીમ કોર્ટે એક સમિતિ બનાવીને મામલાની તપાસ સોંપી હતી, જેણે રિપોર્ટ જમા કરાવી દીધો છે.

    - Advertisement -

    સ્પાયવેર પેગાસસ થકી ભારતમાં કેટલાક લોકોની જાસૂસી કરવામાં આવી હોવાના આરોપો લાગ્યા બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જે બાદ કોર્ટે એક સમિતિ બનાવીને આ મામલાની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત આ સમિતિએ કેટલાંક ઉપકરણોની કરેલી તપાસ દરમિયાન પેગાસસ થકી જાસૂસી કરવામાં આવી હોવાના કોઈ પુરાવાઓ મળ્યા ન હોવાનું જાણવા મળ્યું છે.

    હિંદુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, આ બાબત અંગે જાણકારી ધરાવતા એક વ્યક્તિએ આ બાબતની માહિતી આપી હતી. જે અનુસાર, સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલ સમિતિએ 100થી વધુ ડિવાઇસની તપાસ કરી હતી. આ તપાસના આધારે એક 600 પાનાંનો રિપોર્ટ તૈયાર કરીને એક સપ્તાહ પહેલાં જ સુપ્રીમ કોર્ટને સોંપી દેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

    રિપોર્ટ અનુસાર, સમિતિએ તપાસ દરમિયાન એ જાણવાના પ્રયત્નો કર્યા હતા કે પેગાસસ સ્પાયવેરના ઉપયોગ થકી દેશના નાગરિકોના ફોન કે અન્ય ડિવાઇસમાંથી ડેટા મેળવવા, તેમની વાતચીત સાંભળવા કે અન્ય ગુપ્ત માહિતી મેળવવા માટે કે અન્ય કોઈ હેતુ માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા કે કેમ. પરંતુ તપાસમાં આવી કોઈ પણ પ્રવૃત્તિ કે  જાસૂસી માટે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા મળ્યા ન હોવાનું સામે આવ્યું હતું.

    - Advertisement -

    લોકોએ સ્વેચ્છાએ રજૂ કરેલા ઉપકરણો પર પેનલે અત્યાધુનિક પરીક્ષણ હાથ ધર્યા બાદ આ તારણો કાઢવામાં આવ્યાં હોવાનું સમિતિના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 

    સમિતિનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ જમા કરી દેવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી કેસની સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ અનુસાર, આગામી 12 ઓગસ્ટના રોજ આ કેસ ચીફ જસ્ટિસ એન.વી રમન્ના, જસ્ટિસ હિમા કોહલી અને સૂર્યકાંતની ખંડપીઠ સમક્ષ રજૂ કરવામાં આવશે. જે બાદ કોર્ટ આગળ સુનાવણી હાથ ધરી શકે છે.

    સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અને પેગાસસ મામલાની તપાસ કરતી સમિતિના અધ્યક્ષ આર.વી રવિન્દ્રને આ મામલે જણાવ્યું કે, “આ સ્વતંત્ર રીતે કરવામાં આવેલ તપાસ નથી, મામલો હાલ કોર્ટમાં છે. જેથી સમય આવ્યે કોર્ટ જ તમામ જાણકારી સાર્વજનિક કરશે.”બીજી તરફ, મામલાની જાણકારી ધરાવનાર વ્યક્તિએ કહ્યું કે, “સમિતિ જ એ નિષ્કર્ષ પર આવી છે કે જાસૂસી માટે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ થયો નથી, તો પછી બાકીના તમામ પ્રશ્નોનું કોઈ સ્થાન રહેતું નથી.” 

    ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જુલાઈ મહિનામાં અમુક મીડિયા સંસ્થાઓએ રિપોર્ટ પ્રકાશિત કરીને દાવો કર્યો હતો કે ઇઝરાયેલી સંસ્થા NSO દ્વારા બનાવવામાં આવેલ સ્પાયવેર પેગાસસનો ઉપયોગ ભારતમાં પણ કેટલાક પત્રકારો, નેતાઓ, ન્યાયાધીશો અને મંત્રીઓની જાસૂસી કરવા માટે કરવામાં આવ્યો હતો. બીજા દિવસથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતું હોઈ સંસદમાં પણ આ મુદ્દાને લઈને વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. 

    આ મામલે સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં સ્પષ્ટતા પણ કરી હતી. જોકે, મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતાં કોર્ટે એક સમિતિ બનાવીને આ મામલાની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. જેણે મે મહિના સુધીમાં રિપોર્ટ જમા કરાવવાનો હતો. જોકે, ત્યારબાદ ડેડલાઈન લંબાવવામાં આવતી રહી અને આખરે એક અઠવાડિયા પહેલાં કોર્ટને રિપોર્ટ જમા કરાવવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં