Monday, November 11, 2024
More
    હોમપેજગુજરાતકચ્છ: ભચાઉમાં નજીવી બાબતમાં સગીરે 2 ખેડૂતો પર કર્યો હતો જીવલેણ હુમલો,...

    કચ્છ: ભચાઉમાં નજીવી બાબતમાં સગીરે 2 ખેડૂતો પર કર્યો હતો જીવલેણ હુમલો, હવે તેના પિતા હાજી ત્રાયાએ કરેલાં દબાણ પર ચાલ્યું બુલડોઝર

    આ બુલડોઝર કાર્યવાહી દરમિયાન મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી ઉપરાંત DySP, SOGના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સ્થળ પર હાજર રહ્યા હતા.

    - Advertisement -

    કચ્છના ભચાઉમાં થોડા દિવસ પહેલાં સામાન્ય બાબતમાં એક મુસ્લિમ કિશોરે બે વૃદ્ધો પર હુમલો કરી દીધો હતો, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ પછીથી સગીર આરોપીને જામીન મળી ગયા હતા. પરંતુ હવે તેના પિતા હાજી ત્રાયા દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલું દબાણ બુલડોઝર ફેરવીને દૂર કરવામાં આવ્યું છે. 

    ઘટના બાદ હિંદુ સંગઠનો સક્રિય થયાં હતાં અને અન્ય સંસ્થાઓએ પણ સ્થાનિક તંત્રને રજૂઆત કરીને આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. દરમ્યાન આરોપીના પિતા હાજી આમદ ત્રાયા અને તેના ભાઈ સામે અન્ય પણ ગુના નોંધવામાં આવેલા હોવાની અને તેમણે શિકારપુર ગામે સરકારી જમીનમાં દબાણ કર્યું હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. 

    આ રજૂઆતોને ધ્યાનમાં લઈને ભચાઉ તાલુકા વહીવટી તંત્રે સરકારી જમીનમાં થયેલું દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. TDOએ આ મામલે તપાસ કરી જગ્યા ખાલી કરી દેવા માટે જણાવ્યું હતું, ત્યારબાદ આરોપીએ સ્થળ ખાલી પણ કરી દીધું હતું. ત્યારબાદ શુક્રવારે (1 માર્ચ, 2024) વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ તંત્રના અધિકારીઓએ પહોંચીને દબાણ દૂર કરાવ્યું હતું. 

    - Advertisement -

    આ બુલડોઝર કાર્યવાહી દરમિયાન મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી ઉપરાંત DySP, SOGના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. તંત્રના જણાવ્યા અનુસાર, આરોપીએ 2 દબાણો કર્યાં હોવાની જાણકારી મળી હતી, જેમાંથી 1 પર કોર્ટનો સ્ટે હોવાથી હાલ કાર્યવાહી થઈ નથી, જ્યારે બીજું હટાવી દેવામાં આવ્યું છે. 

    રિપોર્ટ્સ અનુસાર, દબાણ કરનાર હાજી ત્રાયા સામે હત્યા, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ હથિયાર સંબંધી ગુના પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યા છે. તાજેતરમાં પંદર દિવસ પહેલાં તેના સગીર પુત્રએ પણ નજીવી બાબતમાં બે વૃદ્ધોને માર માર્યો હતો. 

    શું બની હતી ઘટના? 

    ગત 15 ફેબ્રુઆરી, 2024ના રોજ ભચાઉના શિકારપુર ગામે રહેતા 55 વર્ષીય ભવાનભાઈ પટેલ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે એક સગીર તેમની પાસે પહોંચી ગયો હતો અને ‘તું અમે બકરાં ચરાવીએ ત્યારે રખેવાળી કેમ કરે છે’ કહીને લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. 

    હુમલાના કારણે વૃદ્ધને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બંને હાથમાં અને એક પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું.

    આ જ દિવસે સગીરે શિકારપુર નજીક નારણસરી ગામમાં પણ એક 65 વર્ષીય વૃદ્ધ પર હુમલો કર્યો હતો. આરોપી તેમના ખેતરમાં બકરાં ચરાવવા માટે ઘૂસ્યો હતો, જેથી પાકને નુકસાન થવાના ડરે ખેડૂતે ના પાડતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને માથામાં મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખેડૂતે હાથ આડો કરી દેતાં હાથમાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેની સામે અન્ય પણ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. 

    બે ગુના નોંધવામાં આવ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પછીથી જામીન મળી ગયા હતા. હવે તેના બાપે કરેલાં દબાણો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં