Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચેતજો: કૉસ્મેટિક સર્જરી બાદ 21 વર્ષીય કન્નડ અભિનેત્રીનું મોત, માતા-પિતાનો ડૉક્ટરો પર...

    ચેતજો: કૉસ્મેટિક સર્જરી બાદ 21 વર્ષીય કન્નડ અભિનેત્રીનું મોત, માતા-પિતાનો ડૉક્ટરો પર આરોપ

    કન્નડ અભિનેત્રી ચેતના રાજે પોતાનું વજન ઘટાડવા માટે ઓપરેશન કરાવ્યું પરંતુ તેનું મૃત્યુ થયું હવે હોસ્પિટલ અને ચેતનાના માતાપિતા એકબીજા સામે આવી ગયા છે અને દોષારોપણ શરુ થઇ ગયું છે.

    - Advertisement -

    કર્ણાટકની એક 21 વર્ષીય અભિનેત્રીનું ‘ફૅટ ફ્રી’ કૉસ્મેટિક સર્જરી કરાવ્યા બાદ મોત થયું છે. કન્નડ અભિનેત્રીનું નામ ચેતના રાજ હતું. તે અનેક ધારાવાહિકોમાં પણ જોવા મળી હતી. ગત 16 મેના રોજ તેને બેંગ્લોર ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. 

    રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીએ તેની પ્લાસ્ટિક સર્જરી અંગે તેના માતા-પિતાને જાણ કરી ન હતી અને તેના મિત્રો સાથે હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં 16 મેના રોજ સવારે તેની સર્જરી કરવામાં આવી હતી. જે બાદ તે જ દિવસે સાંજે અભિનેત્રીને તકલીફ થવા માંડી હતી અને તેના ફેંફસાંમાં પાણી ભરાવાનું શરૂ થઇ ગયું હતું. જે બાદ ડોકટરોએ સારવાર શરૂ કરી હતી પરંતુ તે બચી શકી ન હતી અને કન્નડ અભિનેત્રીનું મોત થઇ ગયું હતું.

    અભિનેત્રીના માતા-પિતાએ ડોકટરો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે તેમજ તેમની પુત્રીના મોત માટે પણ ડોકટરોને જવાબદાર ઠેરવ્યા છે. ચેતના રાજના માતા-પિતાએ નજીકના પોલીસ મથકે હૉસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, હાલ ચેતનાનો મૃતદેહ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો છે, જે આવતીકાલે સવારે અન્ય હોસ્પિટલમાં પોસ્ટ મૉર્ટમ માટે મોકલવામાં આવશે. 

    - Advertisement -

    વજન ઘટાડવા માટે કરવામાં આવતું ડાયેટ અને આ પ્રકારની સર્જરી કેટલીક વખત ઘાતક પણ બની શકે છે. આવો જ એક કિસ્સો અભિનેત્રી મિષ્ટી મુખર્જી સાથે બન્યો હતો. કીટો ડાયેટના કારણે કિડની ફેલ્યોરને લીધે અભિનેત્રી મૃત્યુ પામી હતી. 

    અનેક ફિલ્મો અને સંગીત વિડીયોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મિષ્ટી મુખર્જીનું 2 ઓક્ટોબર 2020ના રોજ બેંગ્લોરમાં નિધન થયું હતું. રિપોર્ટ્સ અનુસાર, તે કિડનીનની બીમારીથી પીડાતી હતી. તેણે વર્ષ 2012 માં આવેલી ‘લાઈફ કી તો લગ ગઈ’ ફિલ્મ સાથે બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીના નજીકના વ્યક્તિના જણાવ્યા અનુસાર, તેના કીટો ડાયેટના કારણે કિડની ફેલ્યોર થયું હતું. 

    કીટો ડાયેટ હાઈ-ફેટ, મૉડરેટ પ્રોટીન અને લો-કાર્બ પર આધારિત છે. આ ડાયેટ પ્લાનનો મુખ્ય હેતુ વજન ઘટાડવાનો હોય છે. આ ડાયેટ પ્લાનથી વજન તો ઓછું થાય છે પરંતુ અનેક અભ્યાસોમાં સામે આવ્યું છે કે આ પ્રકારનો આહાર સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને કિડની પર પણ ખરાબ અસર કરે છે. લાંબા સમય સુધી કીટો ડાયેટ અનુસરતા લોકોને કિડનીમાં પથરીની સમસ્યા થવી સામાન્ય બાબત છે. તેથી જેમને પહેલેથી કિડનીની બીમારી હોય તેમને કીટો ડાયેટ ન અનુસરવાની સલાહ આપવામાં આવે છે.

    આવો જ એક કિસ્સો યુકેમાં પણ બન્યો હતો. વર્ષ 2009માં, યુકે સ્થિત એક મહિલા પોતાનાં લગ્ન પહેલાં વજન ઘટાડવાની લ્હાયમાં મૃત્યુ પામી હતી. 34 વર્ષીય મહિલા વજન ઘટાડવા માટે ડાયેટ પ્લાન ફોલો કરતી હતી અને તેણે 11 અઠવાડિયામાં લગભગ 19 કિલો વજન ઘટાડી દીધું હતું. પરંતુ જે બાદ એક દિવસે હાર્ટ ફેલ્યોર થતાં તે ઘર જ ઢળી પડી હતી અને જે બાદ તેનું મોત થયું હતું. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં પણ તેના મૃત્યુનું કારણ હાર્ટ ફેલ્યોર જણાવવામાં આવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં