Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદરગાહ પાસે રેલવે ટ્રેકના નિર્માણ પર રોક લગાવવા મામલે રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ...

    દરગાહ પાસે રેલવે ટ્રેકના નિર્માણ પર રોક લગાવવા મામલે રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલો આદેશ ગુજરાત હાઇકોર્ટે રદ્દ કર્યો

    ભારતીય રેલવેના એક પ્રોજેક્ટમાં નડતરરૂપ થતી એક દરગાહ અંગે વક્ફ બોર્ડના ફેસલાને આજે ગુજરાત હાઈકોર્ટે રદ્દ કર્યો છે અને રેલવેના પ્રોજેક્ટને આગળ વધવાનું કહ્યું છે.

    - Advertisement -

    ગુજરાત હાઇકોર્ટે એક દરગાહ પાસે રેલવે ટ્રેકના નિર્માણ પર રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલ દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ રદ કરી દીધો હતો. કોર્ટે માન્યું કે દરગાહ રેલવેની જમીનમાં આવી છે અને અનુયાયીઓના કારણે હટાવવામાં આવી નથી, તેનો અર્થ એ નથી કે દરગાહની આસપાસની જમીન પણ દરગાહની સંપત્તિ જ બની જાય છે. આ અવલોકન બાદ કોર્ટે રેલવે લાઈનનું નિર્માણકાર્ય રોકવા મામલે પસાર કરવામાં આવેલ વક્ફ ટ્રિબ્યુનલનો આદેશ રદ કરી દીધો હતો.

    સુનાવણી કરતા ખંડપીઠે કહ્યું કે, દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રોજેક્ટના કારણે દરગાહ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે અને જો ટ્રેક બેસાડવાની પરવાનગી આપવામાં આવે તો દરગાહ બે ટ્રેકની વચ્ચે આવશે. કોર્ટે કહ્યું કે, અરજદારના દાવામાં એમ નથી કહેવાયું કે રેલવે ટ્રેક દરગાહ કે દરગાહની સંપત્તિ પરથી પસાર થશે. જેથી ટ્રીબ્યુનલ દ્વારા આપવામાં આવેલ રાહત પ્રથમ દ્રષ્ટિએ અયોગ્ય ઠરે છે. તેમજ કોર્ટે નોંધ્યું કે, આ રાષ્ટ્રીય સ્તરનો પ્રોજેક્ટ છે અને આ કેસ સબંધિત થોડા મીટરના અંતર સિવાય બંને તરફથી કામ પૂર્ણતાને આરે છે.

    હાઇકોર્ટ ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલના આદેશને પડકારતી એક અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં અરજદારે પ્રતિપક્ષ (કલેક્ટર) અને અન્ય અધિકારો તેમજ એન્જીનીયરોને દરગાહની સંપત્તિને નુકસાન પહોંચાડવાથી રોકવા અને દરગાહમાં ટ્રસ્ટીઓ અને અનુયાયીઓના પ્રવેશ મામલે હસ્તક્ષેપ ન કરવા માટે અપીલ કરી હતી. ટ્રિબ્યુનલે વક્ફ અધિનિયમ 1995 ની ધારા 91 હેઠળ રેલવે ટ્રેકના નિર્માણ માટે ભૂમિ અધિગ્રહણ માટે આગળ વધવા માટે વક્ફ પાસેથી પરવાનગી મેળવવા માટેનો નિર્દેશ આપ્યો હતો.

    - Advertisement -

    જે મામલે અધિકારીઓ દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, નિર્માણ મંજૂરી મેળવ્યા બાદ જ શરૂ કરવામાં આવ્યું હતું અને આ પ્રોજેક્ટ એક મોટા વર્ગને લાભકર્તા છે. આ ઉપરાંત, રેલવે લાઈન દરગાહ પરથી નહીં પરંતુ દરગાહના રસ્તા પરથી પસાર થાય છે. અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે, તેમણે દરગાહ ટ્રસ્ટના સભ્યોને એક વૈકલ્પિક રસ્તો કાઢવા માટે વાતચીત કરવા માટે પણ આમંત્રિત કર્યા હતા પરંતુ તેઓ આગળ આવ્યા ન હતા અને ખોટા તથ્યો સાથે ટ્રીબ્યુનલનો સંપર્ક કર્યો હતો. જેથી ટ્રિબ્યુનલનો આદેશ અયોગ્ય ઠરે છે. ઉપરાંત અધિકારીઓએ આશ્વાસન આપ્યું કે દરગાહ પાસે ટ્રેક બેસાડવામાં આવ્યા બાદ પણ દરગાહમાં પ્રવેશ કે બહાર નીકળવામાં કોઈ સમસ્યા નહીં આવે.

    ખંડપીઠ સામે સવાલ એ પણ હતો કે કોઈ પણ સબંધિત દસ્તાવેજો કે રજીસ્ટ્રેશન નંબર આપ્યા વગર દરગાહને વક્ફની સંપત્તિ ગણાવવામાં આવી હતી. તેમજ અરજદારને વક્ફનો ટ્રસ્ટી ગણાવવામાં આવ્યો હતો. જોકે, ત્યારબાદ જણાવવામાં આવ્યું કે તેઓ ટ્રસ્ટના મેનેજર હતા. જે બાદ કોર્ટે નોંધ્યું કે, પ્રતિવાદી દ્વારા ટ્રસ્ટી તરીકે દાખલ કરવામાં આવેલ કેસ કોઈ પણ સામગ્રી પર આધારિત નથી. પ્રતિવાદીને ‘વક્ફની બાબતોમાં રસ ધરાવનાર’ તરીકે વર્ગીકૃત કરી શકાય છે પરંતુ તેમને સંપત્તિના માલિકી અધિકારોનો દાવો કરવાનો અધિકાર નથી.
    જે બાદ કોર્ટે ટ્રિબ્યુનલ દ્વારા પારીત કરવામાં આવેલ આદેશ રદ કરી દીધો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં