એક તરફ ચૂંટણીને થોડા જ દિવસો બાકી રહ્યા હોવાના કારણે રાજકીય પાર્ટીઓ સોશિયલ મીડિયા પર ભરપૂર પ્રચાર કરી રહી છે ત્યાં ગુજરાત કોંગ્રેસનું ટ્વિટર અકાઉન્ટ પાણીમાં બેસી ગયું છે. પાર્ટીનું ટ્વિટર અકાઉન્ટ છેલ્લા લગભગ ચોવીસેક કલાકથી હેક થઇ ગયું છે અને આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં પણ રીસ્ટોર થઇ શક્યું નથી.
એક રિપોર્ટ અનુસાર, કોંગ્રેસનું ટ્વિટર અકાઉન્ટ હેક કરીને અલગ-અલગ ટ્વિટ્સ પણ કરવામાં આવ્યાં હતાં. જોકે, હાલ તે ટાઈમલાઈન પર દેખાઈ રહ્યાં નથી. કોંગ્રેસના સોશિયલ મીડિયા ચેરમેન કેયુર શાહે આ અંગે જણાવ્યું હતું કે, 24 કલાકથી આ અકાઉન્ટ હેક થઇ ગયું છે. અમે ટેક્નિકલ ટીમ કામે લગાડી છે તેમજ ટ્વિટર ઇન્ડિયા સાથે પણ સંપર્કમાં છીએ. કંપનીએ કહ્યું છે કે, અકાઉન્ટ રિસ્ટોર કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. કેટલાંક આપત્તિજનક ટ્વિટ થયાં હતાં, જે અમે હટાવી દેવડાવ્યાં છે.
હાલ, પાર્ટીના ટ્વિટર અકાઉન્ટના નામની જગ્યાએ માત્ર એક ડોટ (.) જોવા મળે છે. જોકે, ટ્વિટર હેન્ડલ હજુ પણ @INCGujarat જ જોવા મળે છે. જ્યારે ટાઈમલાઈન પર કોઈ વાંધાજનક ટ્વિટ દેખાઈ રહ્યું નથી. સાથે પ્રોફાઈલ પિક્ચરની જગ્યા ખાલી જોવા મળે છે. ગુજરાત કોંગ્રેસના ટ્વિટર પર 1 લાખ 59 હજાર ફોલઅર્સ છે.
જોકે, કોંગ્રેસે અકાઉન્ટ હેક થયું તેમાં પણ વિક્ટિમ કાર્ડ રમવાની તક મૂકી ન હતી. પાર્ટીના સોશિયલ મીડિયા ચેરમેને કહ્યું કે, તેમની સાથે જોડાયેલા લાખો-કરોડો લોકો સુધી તેમનો અવાજ ન પહોંચે તે માટે આ અકાઉન્ટ હેક કરવામાં આવ્યું હશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સોશિયલ મીડિયા પર સારું પ્રદર્શન કરી રહી છે અને લોકો સુધી અમારી વાત ન પહોંચે તે માટે તરાપ મારવા માટે આ થઇ શક્યું હોય શકે. પરંતુ સાચું કારણ બહાર ન આવે ત્યાં સુધી કંઈ કહેવું મુશ્કેલ છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે જો રાજકીય કારણોસર આ અકાઉન્ટ હેક કરવામાં આવ્યાનું જાણવા મળે તો તેઓ ફરિયાદ નોંધાવશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં નેશનલ કોંગ્રેસની મુખ્ય યુ-ટ્યુબ ચેનલ ડીલીટ થઇ ગઈ હતી. એક તરફ રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરવાની તૈયારી શરૂ કરી રહ્યા હતા ત્યાં બીજી તરફ પાર્ટીની યુ-ટ્યુબ ચેનલ પ્લેટફોર્મ પરથી ગાયબ થઇ ગઈ હતી. 24 ઓગસ્ટ 2022ના રોજ આ ઘટના બની હતી. જે અંગે પાર્ટીએ સ્વયં જાણકારી આપી હતી.
Hi,
— Congress (@INCIndia) August 24, 2022
Our YouTube channel – ‘Indian National Congress’ has been deleted. We are fixing it and have been in touch with Google/YouTube teams.
We are investigating what caused this – a technical glitch or sabotage.
Hope to be back soon.
Team
INC Social Media
પાર્ટીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, તેમની ચેનલ ફરીથી રિસ્ટોર કરવા માટે તેઓ ગૂગલ અને યુટ્યુબનો સંપર્ક કરી રહ્યા છે. જોકે, પછીથી ચેનલ રિસ્ટોર થઇ ગઈ હતી. પાર્ટીના યુ-ટ્યુબ પર 27 લાખ સબસ્ક્રાઈબર છે.