Monday, November 4, 2024
More
    હોમપેજદેશશું આપ પણ કન્ફ્યુઝ છો કે 'સહારા રિફંડ પોર્ટલ' મારફતે કઈ રીતે...

    શું આપ પણ કન્ફ્યુઝ છો કે ‘સહારા રિફંડ પોર્ટલ’ મારફતે કઈ રીતે પોતાના ફસાયેલા પૈસા પરત મેળવી શકાશે?: તો અહીં જાણો જરૂરી દસ્તાવેજો, પ્રક્રિયા અને સમયગાળાની સંપૂર્ણ માહિતી

    રોકાણકર્તા સહારા રિફંડ પોર્ટલની સત્તાવાર વેબસાઈટ https://mocrefund.crcs.gov.in પર જઈને રિફંડ માટે અરજી કરી શકશે. અહીં આપણે અરજીની પ્રક્રિયાને ક્રમબદ્ધ સમજવા પ્રયાસ કરીશું.

    - Advertisement -

    18 જુલાઈ 2023 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે દિલ્હી ખાતે ‘સહારા રિફંડ પોર્ટલ’ લોન્ચ કર્યું હતું. આ પોર્ટલ દ્વારા સહારાના તે રોકાણકારોને તેમના પૈસા પાછા મળશે, જેમની રોકાણની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. દિલ્હીમાં અટલ અક્ષય ઉર્જા ભવન ખાતે અમિત શાહે ‘સહારા રિફંડ પોર્ટલ’ લોન્ચ કર્યા બાદ પોતાના સંબોધનમાં તે વિષે વધુ માહિતી આપી હતી.

    પરંતુ હજુ પણ ઘણા લોકો આ પોર્ટલ કઈ રીતે વાપરવું, કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે અને કેટલા સમયમાં તેમના પૈસા પરત મળશે એ બાબતે અજાણ છે. તો આજે આપણે ઑપઇન્ડિયા પર આ તમામ સવાલોના જવાબ સરળ ભાષામાં મેળવીશું.

    શું છે ‘સહારા રિફંડ પોર્ટલ’?

    સહારા રિફંડ પોર્ટલ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક પહેલ છે જેના થકી, સહારા પોર્ટલમાં સમાવિષ્ટ ચાર સહકારી મંડળીઓમાંથી કોઈપણ સહકારી મંડળીમાં તમે નાણાં જમા કરાવ્યા હોય તો તેઓ ઝડપથી રિફંડ મેળવી શકે છે. રોકાણકારોએ ફક્ત આ પોર્ટલ પર નોંધણી કરવાની રેહશે અને 45 દિવસમાં અંદાજિત એક કરોડ રોકાણકારોને તેમના પૈસા રિફંડ મળી રહેશે.

    - Advertisement -

    ખાસ વાત એ છે કે જે થાપણદારોના નાણાં 22 માર્ચ 2022 પહેલાના નાણાં આ ચાર મંડળીઓમાં જમા છે, તેઓ જ રિફંડ માટે નોંધણી કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સહારા ઈન્ડિયાની આ કો-ઓપરેટિવ સોસાયટીઓમાં લગભગ 10 કરોડ રોકાણકારોના પૈસા ફસાયેલા છે.

    આ ચાર સહકારી મંડળીઓના રોકાણકારો મેળવી શકશે રિફંડ

    1. સહારા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ
    2. સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ
    3. હમારા ઈન્ડિયા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ
    4. સ્ટાર્સ મલ્ટીપર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ

    સહારા રિફંડ પોર્ટલનો ઉદ્દેશ્ય

    સહારા રિફંડ પોર્ટલને લોન્ચ કરવા પાછળનો સરકારનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે, પોર્ટલ દ્વારા 10 કરોડથી વધારે રોકાણકારોનું જમા ભંડોળ તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવું.

    અમિત શાહે ખાતરી આપતા કહ્યું છે કે, “સરકાર તમારા મહેનતથી કામયેલા રોકાણોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે, અને દરેક પૈસો પ્રામાણિકપણે પરત કરવામાં આવશે, કમનસીબે જો તમે સહારા ગ્રૂપમાં રોકાણ કર્યું નથી તો આ તક તમને લાગુ પડશે નહિ.”

    રિફંડ મેળવવાની શું છે પાત્રતા

    સહારા જૂથની કોઈપણ મંડળીમાં રોકાણ કરેલ હોય તેવા રોકાણકારોને સહારા રિફંડ પોર્ટલ દ્વારા રિફંડ મળવા પાત્ર છે. ઉલ્લેખનીય છે કે 10 કરોડથી વધુ રોકાણકારોને આ રિફંડ મળવા જઈ રહ્યું છે.

    ઓનલાઇન પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો

    • મેમ્બરશીપ નંબર/સભ્યપદ નંબર
    • ડિપોઝીટ એકાઉન્ટ નંબર/ખાતા નંબર
    • આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર
    • ડિપોઝીટ સર્ટિફિકેટ અથવા પાસબુક
    • પાનકાર્ડ (જો ₹ 50,000 થી વધુનો દાવો કરવાનો હોય તો જ )

    મહત્વની વાત એ છે કે બેન્ક એકાઉન્ટ સાથે પણ મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. જો મોબાઈલ નંબર બેન્ક એકાઉન્ટ સાથે લિંક નહીં હોય તો રિફંડ માટે અરજી થઈ શકશે નહિ.

    પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રીત

    રોકાણકર્તા સહારા રિફંડ પોર્ટલની સત્તાવાર વેબસાઈટ https://mocrefund.crcs.gov.in પર જઈને રિફંડ માટે અરજી કરી શકશે. અહીં આપણે અરજીની પ્રક્રિયાને ક્રમબદ્ધ સમજવા પ્રયાસ કરીશું.

    • સૌ પ્રથમ સહારા રિફંડ પોર્ટલની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો (https://mocrefund.crcs.gov.in)
    • હવે હોમ પેજ પર દેખાતા ‘Depositor Login’ પર ક્લિક કરો
    • હવે આધાર નંબરના છેલ્લા ચાર અંકો અને આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો
    • હવે ‘Get Otp’ પર ક્લિક કરો અને મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો
    • OTP વેરીફાઈ થયા બાદ, તમને તમારી પોલિસી અથવા સ્કીમ મળશે જેમાં તમે રોકાણ કર્યું છે, તેની માહિતી દાખલ કરો
    • તમામ માહિતી દાખલ કર્યા પછી, તમારે અરજી ફોર્મ યોગ્ય રીતે ભરવાનું રહેશે. એકવાર ફોર્મ ભર્યા બાદ તેમાં કોઈ બદલાવ કરી શકાશે નહિ. આપેલ તમામ કૉલમ ભર્યા પછી તમે તેને સબમિટ કરી શકો છો.
    • આ પછી ઓનલાઈન દાવો દાખલ કર્યાના 15 દિવસની અંદર તમને SMS દ્વારા જાણ કરવામાં આવશે. જે બાદ 15 થી 45 દિવસમાં તમારી રકમ તમારા ખાતામાં આવી જશે.

    રોકાણકર્તાને કઈ રીતે ખબર પડશે કે તેનું ફોર્મ ભરાઈ ગયું છે?

    ક્લેમ ફોર્મ (Claim Form) અને અન્ય દસ્તાવેજો અપલોડ કર્યા બાદ પોર્ટલ પર એક રસીદ સંખ્યા (Receipt Number) આવશે અને સાથે જ રજીસ્ટર મોબાઈલ નંબર પર SMS પણ આવશે, જેના દ્વારા ફોર્મ ભરાયાંની ખાતરી થઈ શકશે.

    રોકાણકર્તાઓને કેટલી રકમ મળવા પાત્ર છે?

    સહારા ઇન્ડિયામાં રોકાણ કરનાર રોકાણકર્તાઓને ₹ 5000 કરોડ ચૂકવવામાં આવશે. દરેક રોકાણકર્તા પ્રથમ તબક્કામાં વધુમાં વધુ રૂ.10,000 મેળવી શકશે. ટ્રાયલ સફળ થતાંની સાથે તેઓ પોતાનું તમામ રોકાણ પરત મેળવી શકશે.

    કેટલા સમયમાં મળશે રિફંડ?

    સહારા રિફંડ પોર્ટલ પર દાવો કર્યાના 45 દિવસની અંદર રોકાણકર્તાના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે.

    રિફંડ રજીસ્ટ્રેશન માટે કોઈ ચાર્જ કે ફી આપવાની રહેશે કે નહિ?

    સહારા ગ્રૂપમાં જમા રહેલા નાણાં પરત મેળવવા માટે ખાતેદાર પાસેથી ઓનલાઈન નોંધણી કરી અને અરજી માંગવામાં આવી છે. તેઓ સહારા રિફંડ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરીને રિફંડની અરજી કરી શકે છે. આ માટે કોઈ રજીસ્ટ્રેશન ફી કે ચાર્જ લેવામાં આવતો નથી. આ આખી પ્રક્રિયા સંપૂર્ણપણે ફ્રી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં