દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં (Delhi MCD Elections) આમ આદમી પાર્ટીની જીત બાદ દિલ્હી કોંગ્રેસ ઉપપ્રમુખ અલી મેહદી અને અન્ય બે મહિલા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાં હતાં. જોકે, AAPમાં જોડાયાના કલાકોમાં જ આ ત્રણેયે ફરી ઘરવાપસી કરી લીધી હતી!
પરિણામો બાદ દિલ્હી કોંગ્રેસના ઉપાધ્યક્ષ અલી મેહદી, બ્રજપુરી વોર્ડનાં કોંગ્રેસ કોર્પોરેટર નાઝિયા ખાતૂન અને મુસ્તફાબાદ વોર્ડના કોર્પોરેટર સબિલા બેગમ કોંગ્રેસમાં સામેલ થઇ ગયાં હતાં. જોકે, તેઓ ત્યાં વધુ સમય ટક્યાં નહીં અને કલાકો બાદ ફરી કોંગ્રેસનો હાથ પકડી લીધો હતો અને ‘ભૂલ’ બદલ માફી પણ માંગી હતી.
Ghar Wapsi within hours: Ali Mehdi jumps from Congress to AAP on Friday and in reverse the next day pic.twitter.com/NefdtJueSl
— The Times Of India (@timesofindia) December 10, 2022
અલી મેહદીએ ટ્વિટર પર ‘ઘરવાપસી’ની જાહેરાત કરતાં કહ્યું કે, “હું કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીનો કાર્યકર્તા રહીશ. મારાથી બહુ મોટી ભૂલ થઇ છે, જે બદલ રાહુલ ગાંધીજી, પ્રિયંકાજી, ક્ષેત્રના કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પાર્ટીની હાથ જોડીને માફી માંગું છું. હું કોંગ્રેસનો કાર્યકર્તા હતો, પાર્ટી મારા હૃદયમાં છે…પિતાજી 40 વર્ષથી પાર્ટીમાં છે. મારાથી ભૂલ થઇ એ બદલ ક્ષમા માંગું છું.” તેમણે ઉમેર્યું કે, તેમની સાથેના અન્ય નેતાઓ પણ કોંગ્રેસમાં આવી ગયા છે અને કોંગ્રેસમાં જ રહેશે.
અલી મેહદી કોંગ્રેસ છોડીને AAPમાં સામેલ થઇ ગયા બાદ તેમનો કોંગ્રેસમાંથી અને સ્થાનિક સ્તરે ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, હવે તેઓ ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી લેતાં પાર્ટીના નેતાઓ તેમની પ્રશંસા કરી રહ્યા છે.
દિલ્હી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 134 બેઠકો મળી હતી. ભાજપને 104 જ્યારે કોંગ્રેસને માત્ર 9 બેઠકો મળી શકી હતી. ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારો ચૂંટાયા હતા. કોંગ્રેસને 9 બેઠકો મળી હતી તેમાંથી પણ 2 કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતાં સંખ્યા 7 જ રહી ગઈ હતી. જોકે, તેઓ ફરી આવી ગયા છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ આવો જ ખેલ કર્યો હતો
આમ આદમી પાર્ટીમાં આંટો મારીને કોઈ પોતાની પાર્ટીમાં ઘરવાપસી કરી લે એવું પહેલીવાર બન્યું નથી. આ પહેલાં ગુજરાત કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ આવો જ ખેલ કરી ચૂક્યા છે. રાજ્યગુરુ ગત એપ્રિલ મહિનામાં કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે, ગત મહિને તેઓ પાર્ટીમાં અવગણના થતી હોવાનું કહીને અને પાર્ટી લોકોને મૂરખ બનાવતી હોવાનું કહીને ફરી કોંગ્રેસમાં આવી ગયા હતા. ત્યારબાદ ચૂંટણી પણ લડ્યા, પરંતુ હારનો સામનો કરવો પડ્યો.