Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅગ્નિપથ યોજનાનો વિરોધ કરતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ વિપરીત નિવેદન આપ્યું,...

    અગ્નિપથ યોજનાનો વિરોધ કરતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ વિપરીત નિવેદન આપ્યું, કહ્યું- સાચી દિશામાં પગલું, સશસ્ત્રબળો રોજગાર ગેરેન્ટી કાર્યક્રમ નથી

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીનું આ નિવેદન તેમની પાર્ટીના સ્ટેન્ડથી બિલકુલ વિપરીત છે. કારણ કે કોંગ્રેસ પાર્ટી આ યોજના સ્થગિત કરવાની માંગ કરી ચુકી છે.

    - Advertisement -

    કેન્દ્ર સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજના વિરુદ્ધ થઇ રહેલા વિરોધ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ મનિષ તિવારીએ યોજનાને સમર્થન આપ્યું છે. પોતાની પાર્ટીથી અલગ વિચાર રજૂ કરતા મનિષ તિવારી ટ્વિટ કરતા કહે છે કે તેમને પ્રદર્શનકારીઓ સાથે સહાનુભૂતિ છે પરંતુ સશસ્ત્રબળોને રોજગાર ગેરેન્ટી કાર્યક્રમ તરીકે જોઈ શકાય નહીં. 

    મનિષ તિવારીએ ટ્વિટ કરતા કહ્યું કે, “હું અગ્નિપથ ભરતી પ્રક્રિયાને લઈને ચિંતિત યુવાનો પ્રત્યે સહાનુભૂતિ દાખવું છું. પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારતને અત્યાધુનિક હથિયારોથી યુક્ત યુવાન સશસ્ત્રબળની જરૂર છે. સશસ્ત્ર બળોને રોજગાર ગેરેન્ટી કાર્યક્રમ તરીકે ન જોઈ શકાય.”

    મનિષ તિવારીએ આ યોજનાને એક મહત્વપૂર્ણ સુધારા તરીકે ગણાવી હતી અને કહ્યું કે તે બિલકુલ સાચી દિશામાં છે.

    - Advertisement -

    મનિષ તિવારી રક્ષા મામલે બનાવવામાં આવેલ સંસદીય સમિતિના સભ્ય પણ છે. અગ્નિપથ યોજના મામલે ઇન્ડિયા ટૂડેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, “આપણે સમજવાની જરૂર છે કે છેલ્લા એક-દોઢ દાયકાથી યુદ્ધની પદ્ધતિ બિલકુલ બદલાઈ ગઈ છે. સશસ્ત્ર બળ રોજગાર ગેરેન્ટી યોજના નથી. મોટાભાગના સશસ્ત્ર બળોમાં મોટું પરિવર્તન આવી ગયું છે. બીજી તરફ, નવા પ્રકરણ હથિયારો અને નવી તકનીકોમાં વધારો થયો છે. આ સ્થિતિમાં દેશમાં યુવા સશસ્ત્રબળની જરૂર છે અને ત્યારે તમારે નવી જરૂરિયાતોના આધારે પરિવર્તનો કરવાં પડે છે.”

    તેમણે આગળ કહ્યું હતું કે, “સરકાર નવી યોજના લઈને આવી છે તે જમીની સ્તરે કેવાં પરિણામો આપે છે તે જોવાની જરૂર છે. સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે 4.5 વર્ષ બાદ કઈ રીતે નિયુક્તિનો આગલો તબક્કો લાગુ કરવામાં આવશે. કારણ કે એ પણ સ્વાભાવિક વાત છે કે 21 વર્ષના યુવાનોને પોતાના ભવિષ્યની ચિંતા હોય.”

    આ ઉપરાંત તેમણે આ મુદ્દે એનડીટીવી સાથે પણ વાતચીત કરી હતી. વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, “આજના સમયે તમને મોબાઈલ આર્મી, યુવા આર્મીની જરૂર પડે છે. તકનીકી અને હથિયારો પર વધુ ખર્ચ કરવાની જરૂર છે. પણ આવું ત્યારે જ થઇ શકે જયારે તમારી પાસે જમીની સ્તર પર મોટું માળખું તૈયાર હોય.”

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીનું આ નિવેદન તેમની પાર્ટીના સ્ટેન્ડથી બિલકુલ વિપરીત છે. કારણ કે કોંગ્રેસ પાર્ટી આ યોજના સ્થગિત કરવાની માંગ કરી ચુકી છે. કોંગ્રેસ  પાર્ટીનું  વિશેષજ્ઞો અને અન્ય લોકો સાથે વિચાર-વિમર્શ  કર્યા બાદ જ આ અંગે આગલું પગલું ઉઠાવવામાં આવે. 

    ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે બુધવારે (15 જૂન 2022) ‘અગ્નિપથ યોજના’ જાહેર કરી હતી. જે અનુસાર, 17 થી 21 વર્ષ સુધીના યુવાનો સેનામાં સેવા આપી શકશે. તેમજ સેવા પૂર્ણ થયા બાદ તેઓ સ્વેચ્છાએ અરજી કરી શકશે, જેમાંથી જરૂરિયાત અને ક્ષમતાના આધારે 25 ટકાને સેનાની મુખ્ય કેડરમાં સામેલ કરવામાં આવશે.

    જોકે, આ યોજનાની જાહેરાત સાથે જ બિહાર, યુપી, મધ્ય પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં તેનો વિરોધ શરૂ થઇ ગયો છે અને જે ધીમે-ધીમે હિંસક સ્વરૂપ પકડતો જાય છે. જોકે, સરકારે ગઈકાલે આ વર્ષ માટે વયમર્યાદામાં છૂટ આપી મહત્તમ ઉંમર 23 વર્ષ કરવાનું એલાન કર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં