ઉત્તર પ્રદેશની એક MP-MLA કોર્ટે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને હાજર થવા માટે તેડું મોકલ્યું છે. તેમણે આગામી 6 જાન્યુઆરી, 2024ના રોજ કોર્ટ સમક્ષ હાજરી આપવાની રહેશે. આ કેસ રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કરેલી એક ટીપ્પણી મામલેનો છે, જે મામલે તેમને સમન મળ્યું છે.
એક વકીલે આ મામલે જાણકારી આપતાં ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, “MP-MLA કોર્ટે રાહુલ ગાંધીને આજે (શનિવાર, 16 ડિસેમ્બર) હાજર થવા માટે કહ્યું હતું. પરંતુ આજે તેઓ કોર્ટમાં હાજર રહ્યા ન હતા. હવે કોર્ટે તેમને ફરી સમન્સ જારી કરવાનો અને 6 જાન્યુઆરીના રોજ હાજર થવાનો આદેશ આપ્યો છે. જો તેઓ 6 જાન્યુઆરીએ હાજર રહે તો કાં તો જામીન મેળવી શકે છે અથવા ઉપલી કોર્ટમાં આ આદેશને પડકારી પણ શકે છે.”
#WATCH | Sultanpur, UP: Congress leader Rahul Gandhi summoned by UP court over remarks against Union Home Minister Amit Shah, Advocate Santosh Pandey says, "On the objectionable remarks made by Rahul Gandhi against Union Home Minister Amit Shah the MP MLA court in Sultanpur had… pic.twitter.com/skzVQlga64
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 16, 2023
તેમણે જણાવ્યા અનુસાર, મામલો એ હતો કે વર્ષ 2018માં એક પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે રાહુલ ગાંધીએ વર્તમાન ગૃહમંત્રી અને તે સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને હત્યાના આરોપી ગણાવ્યા હતા. જેને લઈને ઉત્તર પ્રદેશના સુલતાનપુરના એક વિજય મિશ્રા નામના વ્યક્તિએ તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસમાં પ્રથમ દ્રષ્ટિએ પુરાવાઓ જણાતાં કોર્ટે રાહુલ ગાંધીને 16 ડિસેમ્બરના રોજ હાજર થવા માટે તેડું મોકલ્યું હતું.
આ કેસ 4 ઓગસ્ટ, 2023ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. હનુમાનગંજના રહેવાસી અને ભારતીય જનતા પાર્ટીના નેતા વિજય મિશ્રાએ રાહુલ ગાંધી સામે ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવતી ફરિયાદ કરી હતી. જે કેસ પછીથી MP-MLA કોર્ટમાં ચાલ્યો ગયો હતો.
વિજય મિશ્રાના વકીલના જણાવ્યા અનુસાર, 5 વર્ષ કેસ ચાલ્યા બાદ ગત 18 નવેમ્બરના રોજ જજ યોગેશ યાદવે તમામ દલીલો સાંભળી લીધા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો અને આગામી સુનાવણીની તારીખ 27 નવેમ્બર મુકરર કરીને રાહુલ ગાંધીને હાજર થવા માટે જણાવ્યું હતું. કોંગ્રેસ નેતાને 16 ડિસેમ્બરના રોજ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ ન આવતાં નવી તારીખ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં રાહુલ ગાંધી એક કેસમાં સજા મેળવી ચૂક્યા છે. 2019માં કર્ણાટકમાં એક રેલી સંબોધિત કરતી વખતે તેમણે પીએમ મોદી અને મોદી સમાજ વિશે ટિપ્પણી કરી હતી, જેને લઈને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરતાં કેસ નોંધાયો હતો. 4 વર્ષ બાદ માર્ચ, 2023માં કોર્ટે રાહુલ ગાંધીને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ સેશન્સ અને હાઈકોર્ટે પણ સજા યથાવત રાખી હતી. આખરે સુપ્રીમ કોર્ટમાંથી રાહુલ ગાંધીને રાહત મળી હતી.