Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહનુમાન ચાલીસા મુદ્દે ઉદ્ધવ ઠાકરેને પડકાર આપનાર મહારાષ્ટ્રની ‘મર્દાની’ કોણ છે?

    હનુમાન ચાલીસા મુદ્દે ઉદ્ધવ ઠાકરેને પડકાર આપનાર મહારાષ્ટ્રની ‘મર્દાની’ કોણ છે?

    મહરાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત કૌર રાણા એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે તેમના વિષે કેટલીક મહત્ત્વની વાતો જાણીએ.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં શરૂ થયેલો અઝાન અને હનુમાન ચાલીસાનો મુદ્દો દિવસેને દિવસે વેગ પકડી રહ્યો છે. દરમ્યાન, અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાસ ‘માતોશ્રી’ સામે હનુમાન ચાલીસાના પાઠ કરવાની ઘોષણા કર્યા બાદ મામલો વધુ વિવાદમાં આવ્યો છે.

    નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની ઘોષણા કર્યા બાદ તેમના નિવાસસ્થાનની બહાર શિવસેના કાર્યકરોએ ઉપદ્રવ શરૂ કરી દીધો હતો અને તેમના ઘરની સામેના બેરિકેડ પણ તોડી નાંખ્યા હતા. તેમજ શિવસૈનિકોએ એમ પણ કહ્યું કે તેઓ અમરાવતીમાંથી કચરો સાફ કરવા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નવનીત રાણા અમરાવતીનાં જ સાંસદ છે જ્યારે તેમના પતિ એ જ જિલ્લાની બડનેરા બેઠક પરથી ધારાસભ્ય છે.

    રાણા દંપતીએ શનિવારના (23 એપ્રિલ 2022) રોજ પોતે માતોશ્રીની બહાર પાંચસો લોકો સાથે હનુમાન ચાલીસાના પાઠ કરશે તેવી જાહેરાત કરી હતી. જે બાદ પોલીસે બંનેને નોટીસ પણ પાઠવી હતી અને ઘરની બહાર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ શિવસૈનિકો પણ તેમના નિવાસસ્થાનની બહાર પહોંચ્યા હતા. વિવાદને જોતાં કેન્દ્ર સરકારે નવનીત રાણાને Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે.

    - Advertisement -

    આજે સવારે સોશિયલ મીડિયાના માધ્યમથી નવનીત રાણાએ કહ્યું કે, “આજે સવારે જ ઉદ્ધવ ઠાકરેજીએ અમારા ઘરની સામે શિવસૈનિકો મોકલી દીધા છે. મને એ નથી સમજાઈ રહ્યું કે હનુમાન ચાલીસાથી તેમને શું વાંધો છે અને મેં તેમના ઘરની બહાર જઈને ચાલીસાનું પઠન કરવા માટે કહ્યું છે નહીં કે તેમના ઘરની અંદર જઈને. આપણે ઘરે હનુમાનજીની પૂજા કરીને જેવા ઘરની બહાર નીકળ્યા કે પોલીસતંત્રના લોકો આવી ગયા અને કહ્યું કે અમે બહાર નહીં જઈ શકીએ.”

    કોણ છે નવનીત રાણા?

    નવનીત રાણાનું મૂળ નામ નવનીત કૌર છે. પરંતુ રવિ રાણા સાથે લગ્ન કર્યા બાદ તેમણે નામ નવનીત રાણા રાખ્યું હતું. તેમના પિતા સૈન્ય અધિકારી રહી ચૂક્યા છે. અભ્યાસ દરમિયાન જ તેમને મોડેલિંગની ઓફર મળતા ધોરણ 12 પછી અભ્યાસ કરી શક્યાં ન હતાં. મોડેલિંગ બાદ તેઓ ફિલ્મી દુનિયામાં પ્રવેશ્યાં હતાં અને કન્નડ, મલયાલમ અને પંજાબી ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. તેમની પાંચ ભાષાઓ પર પકડ છે અને તેઓ મરાઠી, પંજાબી, તેલુગુ, હિંદી અને અંગ્રેજી બોલી શકે છે.

    રિપોર્ટ અનુસાર, રવિ રાણા અને નવનીત કૌરની મુલાકાત બાબા રામદેવના આશ્રમમાં થઇ હતી. જે બાદ બંનેએ 2011 માં લગ્ન કરી લીધાં હતાં. બંનેએ એક સમૂહલગ્ન પ્રસંગમાં લગ્ન કર્યાં હતાં. જેમાં એકસાથે 3200 દંપતીનાં લગ્ન થયાં હતાં. જેમાં તત્કાલીન મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને સ્વામી રામદેવ પણ હાજર રહ્યા હતા. નવનીત રાણા અને રવિ રાણાને સંતાનોમાં એક પુત્રી અને પુત્ર છે.

    2019 માં અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યાં હતાં

    લગ્ન બાદ રવિ રાણાના કહેવાથી નવનીત રાણાએ રાજકારણમાં ડગ માંડ્યા હતા અને 2014 માં તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની (NCP) ટિકિટ પર લડ્યાં હતાં. જોકે, શિવસેનાના ઉમેદવાર સામે હારી ગયાં હતાં. જે બાદ 2019 માં પણ તેમને એનસીપી દ્વારા ટિકિટની ઓફર કરવામાં આવી હતી પરંતુ તે ન સ્વીકારીને તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યાં હતાં અને શિવસેનાના દિગ્ગજ નેતા આનંદરાવ અડસુલને હરાવીને 26 હજારથી વધુ મતોથી વિજેતા બન્યાં હતાં. હાલ તેઓ અમરાવતીથી સાંસદ છે. તેમને ભાજપ સમર્થક માનવામાં આવે છે.

    લોકસભામાં પ્રશ્નો ઉઠાવતા એસિડ ફેંકવાની ધમકી મળી હતી

    થોડા સમય પહેલાં નવનીત રાણાએ લોકસભામાં મહારાષ્ટ્રના બહુચર્ચિત 100 કરોડ વસૂલી કાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો અને મનસુખ હિરેન હત્યા કેસને લઈને મહારાષ્ટ્રની ઠાકરે સરકાર પણ આરોપો લગાવ્યા હતા. તેમણે સંસદમાં પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે, જે પોલીસ અધિકારીને 16 વર્ષો સુધી સસ્પેન્ડ રાખવામાં આવ્યો, તેને મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકાર આવતા જ બહાલ શા માટે કરવામાં આવ્યો?

    તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, મુકેશ અંબાણીને ધમકાવવાનું ષડ્યંત્ર રચનારા પોલીસ અધિકારી સચિન વાજેનો મુદ્દો લોકસભામાં ઉઠાવવાના કારણે શિવસેના સાંસદ અરવિંદ સાવંતે તેમને સંસદ ભવન પરિસરમાં ધમકી આપતાં કહ્યું હતું કે, સાવંતે તેમને કહ્યું હતું કે, ‘તું મહારાષ્ટ્રમાં કઈ રીતે ફરે એ જોઉં છું. તને પણ જેલમાં નાંખીશું.’

    નવનીત રાણાએ આરોપ લગાવ્યો હતો કે તે અગાઉ પણ શિવસેનાના લેટરહેડ અને ફોન કોલના માધ્યમથી તેમને ચહેરા પર એસિડ ફેંકવાની ધમકી પણ આપવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં