Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોતાની જ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ કેસ લડવા પહોંચ્યા પી ચિદમ્બરમ, કોંગ્રેસના...

    પોતાની જ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ કેસ લડવા પહોંચ્યા પી ચિદમ્બરમ, કોંગ્રેસના વકીલોએ જ કર્યો વિરોધ, મમતા સરકારના દલાલ ગણાવ્યા

    પશ્ચિમ બંગાળના પોતાના જ વરિષ્ઠ કોંગ્રેસી સાથી અધીર રંજન ચૌધરી વિરુદ્ધ બંગાળ સરકાર તરફથી દલીલ કરવા જ્યારે પી ચિદમ્બરમ કોર્ટમાં આવ્યા ત્યારે તેમના વિરુદ્ધ રાજ્યના કોંગ્રેસી વકીલોએ સુત્રોચ્ચાર કર્યા હતા.

    - Advertisement -

    કોંગ્રેસ આમ તો દેશની સૌથી જૂની પાર્ટી છે પરંતુ હાલમાં તેની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. પાર્ટી માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ સર્જાયો છે. બીજી તરફ પાર્ટીમાં આંતરિક વિખવાદ પણ ચરમસીમાએ છે. હવે કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ પી ચિદમ્બરમનો કોલકત્તા હાઈકોર્ટ ખાતે બુધવારે કોંગ્રેસના જ વકીલોએ વિરોધ કર્યો સામનો કરવો પડ્યો હતો.

    રિપોર્ટ્સ અનુસાર, ચિદમ્બરમ એક કેસ સબંધે કોલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. પરંતુ કોર્ટ રૂમની બહાર જ તેમની વિરુદ્ધ નારા લાગવા માંડ્યા અને કાળા વાવટા પણ ફરકાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના વકીલોએ તેમને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના ‘એજન્ટ ગણાવ્યા હતા, તેમજ પશ્ચિમ બંગાળમાં પાર્ટીએ કરેલા ખરાબ પ્રદર્શન માટે પણ તેમણે ચિદમ્બરમને જ જવાબદાર ગણાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ તેમને ‘મમતા બેનર્જી સરકારના દલાલ’ ગણાવીને નારાબાજી કરી હતી.

    વિરોધ દરમિયાન વકીલ અને કોંગ્રેસ નેતા કૌસ્તવ બાગચી કહી રહ્યા હતા કે, “અમે તમારી ઉપર થૂંકીએ છીએ. જ્યારે તમારી પાર્ટીના કાર્યકર્તાઓ અત્યાચાર સામે લડી રહ્યા છે ત્યારે તમે ટીએમસીના એજન્ટ બન્યા છો. તમે રાજ્યના કોંગ્રેસ પ્રમુખની પીઆઈએલનો વિરોધ કરી રહ્યા છો. ગો બેક મિસ્ટર ચિદમ્બરમ.” આ ઉપરાંત એક મહિલા પણ સતત ‘ગો બેક’ની બૂમો પાડી રહ્યાં હતાં.

    - Advertisement -

    જોકે, આટલું બન્યું હોવા છતાં પી ચિદમ્બરમે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને તેમના સુરક્ષાકર્મીઓની મદદથી કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયા હતા. રિપોર્ટ અનુસાર, ચિદમ્બરમ પશ્ચિમ બંગાળના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી અને મેટ્રો ડેરી મામલે પશ્ચિમ બંગાળ સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે પહોંચ્યા હતા.

    અહીં નોંધનીય છે કે બંગાળ કોંગ્રેસના પ્રમુખ અધીર રંજન ચૌધરીએ એક અરજી દાખલ કરી હતી જેમાં તેમણે બંગાળ સરકાર વિરુદ્ધ મેટ્રો ડેરી મામલે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ મામલે તેમણે કોલકત્તા હાઈકોર્ટ સમક્ષ સીબીઆઈ તપાસની માંગ કરી હતી. આ જ કેસમાં સરકારનો બચાવ કરવા માટે મમતા બેનર્જીએ પી ચિદમ્બરમને પોતાના વકીલ બનાવ્યા છે. એટલે કે એક રીતે તેઓ પોતાની જ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી સામે કેસ લડી રહ્યા છે. એ જ કારણ છે કે પાર્ટીના કાર્યકર્તાઓ તેમનાથી નારાજ થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

    આ મામલે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, “પી ચિદમ્બરમ જેવા નેતા આ કેસ લડતા હોય તો હું શું કહી શકું? મેં અરજી એટલા માટે દાખલ કરી કારણ કે આ એક મોટું કૌભાંડ છે.” બીજી તરફ, ટીએમસી નેતા કુણાલ ઘોષે જણાવ્યું કે, “હું આ કોર્ટ કેસ મામલે કંઈ જાણતો નથી, આ કોંગ્રેસ પાર્ટીનો આંતરિક મામલો છે.”

    આ કેસ પશ્ચિમ બંગાળની મેટ્રો ડેરીના 47 ટકા શેર કેવેન્ટર એગ્રો લિમિટેડને વેચવા મામલેનો છે. આરોપ છે કે કંપનીએ શેર ખરીદ્યા બાદ 15 ટકા શેર સીધા સિંગાપોરની કંપનીને ટ્રાન્સફર કરી દીધા હતા. જે મામલે અધીર રંજન ચૌધરીએ વર્ષ 2018 માં મમતા સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી અરજી દાખલ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં