Wednesday, April 24, 2024
More
    હોમપેજમંતવ્યપ્રોફેશનલ ગરબા પર GST લાગવા પર સામે આવી ‘દિવ્ય’ પીડા: લોકોની સહમતિ...

    પ્રોફેશનલ ગરબા પર GST લાગવા પર સામે આવી ‘દિવ્ય’ પીડા: લોકોની સહમતિ છતાં ‘આપ’ પણ અજ્ઞાન સાથે કૂદી પડ્યું

    મોટાં શહેરોમાં થતાં ગરબાના વ્યવસાયિક આયોજનો પર લાગુ થયેલા ટેક્સને સંસ્કૃતિ સાથે જોડીને લોકોની ભાવનાઓ સાથે રમવાનો પ્રયાસ નિષ્ફ્ળ.

    - Advertisement -

    તારીખ 2 ઓગસ્ટ, 2022. પોતાને વાચકોની મરજીનું અખબાર ગણાવતા ‘દિવ્ય ભાસ્કર’ના પહેલા જ પાને એક સમાચાર પ્રકાશિત થયા હતા. જેનું શીર્ષક છે, ‘ગરબા રમવા પર 18 ટકા GST.’ તેની બાજુમાં પેટાશીર્ષક લખવામાં આવ્યું છે- ‘ગુજરાતની સંસ્કૃતિ પર ટેક્સ.’ સાથે અખબારે અહેવાલમાં એ પણ જણાવ્યું છે કે રાજ્યનાં મોટાં શહેરોમાં ખેલૈયાઓએ કેટલા રૂપિયા ચૂકવવા પડશે. એટલું જ નહીં, ચણિયા ચોળી પર કેટલો ટેક્સ લાગશે એ પણ જણાવી દીધું છે. ફક્ત એટલું નથી જણાવ્યું કે, આ ટેક્સ ‘શેરી ગરબા’ પર નહીં પરંતુ મોટાં શહેરોમાં થતાં વ્યવસાયિક આયોજનો પર લાગુ કરવામાં આવ્યો છે!

    છાપાંનું કામ તેના વાચકોને જે-તે ઘટનાઓથી માહિતગાર કરવાનું છે. સંશય પેદા કરવાનું કે સનસનાટીભર્યો માહોલ બનાવવાનું નહીં. ઘણા (આમ તો મોટેભાગના) વાચકો આખું છાપું પહેલથી છેલ્લે સુધી વાંચતા હોતા નથી. તેઓ માત્ર હેડલાઈન વાંચીને આગળ નીકળી જાય છે. જેથી હેડલાઈન ઘટનાની સાચી સમજ આપનારી, સંપૂર્ણ વિગતો આપનારી હોવી જોઈએ, ગેરમાર્ગે દોરનારી કે સનસનાટી પેદા કરનારી નહીં.

    ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલમાં જે ‘ગરબા રમવા પર GST’ લાગુ થયાની વાત કરવામાં આવી છે તે ખરેખર ‘ગરબા રમવા પર’ નહીં પરંતુ ‘ગરબાના પાસ’ પર લાગુ થયો છે. જોકે, સેફ રમવા માટે અખબારે મુખ્ય શીર્ષકની ઉપરના શીર્ષકમાં ‘ગરબાના પાસ’નો ઉલ્લેખ કર્યો છે. પરંતુ પછી તરત નીચેની લીટી તદ્દન વિરોધાભાસી છે. સાથે સૂચક રીતે આમાં ગુજરાતની અસ્મિતાને પણ જોડવામાં આવી છે અને લખ્યું છે- ‘ગુજરાતની સંસ્કૃતિ પર ટેક્સ.’

    - Advertisement -

    આ લેખ છપાયા પહેલાં કેટલીય આંખ નીચેથી પસાર થઈને ગયો હશે. આ લખનાર અને એડિટ કરનાર ગુજરાતી જ હશે એમ માની લઈએ. તો એ પણ જાણતા હોવા જોઈએ કે ‘ગુજરાતની સંસ્કૃતિ’ શહેરોમાં મોટા પાર્ટી પ્લોટમાં ફિલ્મી ગીતો પર થતા નૃત્યો નહીં પરંતુ શેરી-શેરીએ થતા ગરબા છે. જ્યાં ગામ-શેરીની બેન-દીકરીઓ છૂટથી, પોતાના પરિવાર વચ્ચે ગરબા રમી શકે છે. અને આવા શેરી ગરબા પર ક્યાંય GST કે કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગુ કરવામાં આવ્યો નથી. 

    આ ટેક્સ મોટાં શહેરોમાં થતાં પ્રોફેશનલ આયોજનો પર લાગુ કરવામાં આવ્યો છે. જેમના પાસ પેહેલથી જ હજારોની કિંમતમાં વેચાય છે. જેમનું માત્ર દસ દિવસનું ટર્નઓવર કરોડો રૂપિયાનું થાય છે. ટેક્સ આ વ્યવસાયિક આયોજનો પર લાગ્યો છે. જે રીતે અન્ય અનેક વ્યવસાયિક આયોજનો પર ટેક્સ લાગે છે. 

    નોંધવા જેવી વાત એ પણ છે કે જેવા આ સમાચાર અખબારમાં આવ્યા કે થોડા જ કલાકોમાં આમ આદમી પાર્ટી પણ આ અર્ધસત્યનો રંગેચંગે પ્રચાર કરવામાં કૂદી પડી. ‘આપ’ના કાર્યકરોએ રાજ્યમાં કેટલાંક ઠેકાણે પ્રદર્શનો કર્યાં અને ‘ગરબા પર GST’ લગાવવા મુદ્દે સરકારનો વિરોધ કર્યો. ‘આપ’ના નેતાઓ પણ સોશિયલ મીડિયામાં લખવા મંડ્યા. 

    GST અને ટેક્સની પહેલેથી ચાલતી ચર્ચા વચ્ચે આ પ્રકારના સમાચાર પ્રકાશિત કરવા પાછળ ગણતરી શું હશે એ ખબર નથી, પણ તે ઉંધી પડી છે એ વાત એટલી જ સાચી છે. કારણ કે લોકો હવે વધારે જાગૃત થઇ ગયા છે. લોકો પાસે માહિતી મેળવવા માટેનું એકમાત્ર માધ્યમ છાપાં જ હોય તેવા દિવસો હવે રહ્યા નથી. હવે બીજા દિવસે છાપાંમાં સમાચાર આવે તે પહેલાં બની શકે કે તેને વાંચનાર માણસ તે વિશે વધુ જાણતો હોય. તેથી જેવા આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયા તેવી લોકોએ પોલ ખોલવા માંડી હતી. 

    લોકોએ આવાં મોટાં આયોજનો પર ટેક્સ લગાવવાનો કોઈ વિરોધ તો ન કર્યો પરંતુ ઉપરથી વધુ ટેક્સ લગાવવા માટેની માંગ કરી હતી. કેટલાકે એમ પણ કહ્યું કે, મોદી વિરોધમાં સારું-નરસું ન પારખી શકાય એટલા અંધ પણ ન બનવું જોઈએ.  અમુક યુઝરોએ અખબારને સરખું જોઈ વાંચીને સમાચાર પ્રકાશિત કરવાની ભલામણ કરી હતી. 

    દિવ્ય ભાસ્કરના અધિકારીક ફેસબુક પેજ પર આ સમાચારની નીચે પ્રતિક્રિયા આપતાં યુઝરોએ કૉમેન્ટ કરી હતી. જેમાં મહેશ પટેલ નામના યુઝરે ટેક્સ કયા આયોજન પર લાગ્યો છે તેની સમજ આપીને માંગ કરી હતી કે ગરબાના નામે અશ્લીલતા જોવા મળે તેવા કાર્યક્રમો પર 75 ટકા GST લાગુ કરવો જોઈએ.

    દિવ્ય ભાસ્કરના ફેસબુક પેજ પર યુઝરની કૉમેન્ટ

    કમલેશ ઠક્કરે કહ્યું હતું કે, દેશના ઘણાં રાજ્યોમાં એડિશન ધરાવતા અખબારે અફવા ફેલાવવી જોઈએ નહીં.

    બીના અધ્વર્યુ નામના યુઝરે કહ્યું કે, કમાવા માટે આયોજન થતું હોય તો ત્યાં ટેક્સ ભરતા શું વાંધો હોવો જોઈએ?

    એક યુઝરે કહ્યું કે, આમાં નુકસાન ગરબાને નામે વેપાર કરનારાઓને છે. નાના માણસોને કોઈ નુકસાન નથી.

    એક યુઝરે લોકોને ઉલ્લુ બનાવવાની ના પાડીને કહ્યું હતું કે, કમર્શિયલ ગરબાથી સંસ્કૃતિનું હનન થાય છે અને તેમાં ઊંચો GST લાગશે તો જ શેરી ગરબા જીવંત રહેશે.

    ઉપરાંત, ટ્વિટર પર પણ પ્રતિક્રિયા જોવા મળી હતી. એક યુઝરે કહ્યું કે, જે લોકો જ્ઞાનવાપી મુદ્દે ‘સેક્યુલર’ હતા તેઓ આજે ગરબાના પાસ પર GST લાગતાં ફરી ધાર્મિક બની ગયા છે.

    એક યુઝરે કહ્યું કે, વિરોધ ખાતર વિરોધ કરનારાઓએ સત્ય મરોડવું જ પડે છે અને તેથી તેઓ એ નહીં કહે કે આ ટેક્સ પ્રોફેશનલ આયોજનો પર લાગ્યો છે.

    એક યુઝરે કહ્યું કે, ટેક્સ ગરબા પર નહીં પરંતુ વ્યવસાયિક આયોજનો પર લાગે. એ જ રીતે ચણિયા-ચોળી પર જ નહીં પરંતુ વસ્ત્રો પર લાગે. તેમણે એ પણ સમજ આપી હતી કે ન્યૂઝ પ્રિન્ટ પર લાગુ કરવામાં આવેલ ટેક્સ માત્ર દિવ્ય ભાસ્કર પર લાગુ પડેલ ટેક્સ કહી શકાય નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં