Monday, July 14, 2025
More

    ‘આવા લોકોએ દેશ છોડી દેવો જોઈએ…’: શમા મહોમ્મદની ટિપ્પણી પર યુવરાજ સિંઘના પિતાનો જવાબ, કહ્યું- જો પુરૂષ હોત તો આપત સરખો જવાબ

    તાજેતરમાં જ કોંગ્રેસ પ્રવક્તા શમા મહોમ્મદે (Shama Mohamed) ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અંગે વિવાદાસ્પદ અને અપમાનજક ટિપ્પણી કરી હતી. ત્યારે આ મામલે પૂર્વ ક્રિકેટર અને યુવરાજ સિંઘના (Yuvraj Singh) પિતા યોગરાજ સિંઘનો (Yograj Singh) વળતો જવાબ આવ્યો છે.

    તેમણે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું હતું કે, “આપણા દેશના લોકોએ આ દેશમાં રહીને આપણા ખેલાડીઓ અને આપણા દેશવાસીઓ વિશે ખરાબ ન બોલવું જોઈએ… જો રાજકીય વ્યવસ્થામાં બેઠેલ કોઈ વ્યક્તિ એવા ખેલાડીઓ વિશે બોલે છે જેમણે આટલા વર્ષોથી આ દેશને ગૌરવ અપાવ્યું છે… તો તેમને શરમ આવવી જોઈએ.”

    તેમણે કહ્યું હતું કે, “આવા લોકોને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી… ક્રિકેટ અમારો ધર્મ છે… એ જે પણ સાંસદ હોય… તે સ્ત્રી આપણી માતા કે દીકરી જેવી છે, જેમનું અમે સન્માન કરીએ છીએ… પરંતુ આ નિવેદન એવું છે જેમ એક માતા પોતાના દીકરાને જન્મ આપ્યા પછી મારી નાખે છે, બહેન પોતાના ભાઈની રાખડી બાંધ્યા પછી તોડી નાખે છે અને દીકરી પોતાના પિતાને ઘરમાંથી કાઢી મૂકે છે.”

    યોગરાજ સિંઘે શમા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “કોઈને પણ પોતાના દેશવાસીઓ અને ખેલાડીઓ વિરુદ્ધ બોલવાનો અધિકાર નથી. આ ક્યારેય સહન ન કરવું જોઈએ અને જે લોકો આ કરી રહ્યા છે તેમને તેને રાજકીય મુદ્દો બનાવતા શરમ આવવી જોઈએ… જો હું વડાપ્રધાન હોત તો મેં તેમને તેમનો સામાન પેક કરીને દેશ છોડી દેવાનું કહી દીધું હોત.”

    તેમણે વડાપ્રધાન સમક્ષ માંગ કરતા કહ્યું હતું કે, “વડાપ્રધાને તેમને માફી માંગવા અથવા દેશ છોડી દેવાનું કહેવું જોઈએ… જો તે પુરુષ હોત, તો મેં અલગ શબ્દોમાં વાત કરી હોત અને પંજાબી, હિન્દી કે કોઈપણ ભાષામાં સમજાવ્યું હોત… પણ તે એક દીકરી સમાન છે, હું તેમને શું કહું…”