Wednesday, June 25, 2025
More

    યોગી સરકારે બાંકે બિહારી મંદિરના ટ્રસ્ટનું કર્યું ગઠન: વ્યવસ્થાથી લઈને પૂજારીની નિયુક્તિ સુધીની જવાબદારી નિભાવશે પદાધિકારી, હિંદુ પરંપરાનું થશે પાલન

    મથુરાના બાંકે બિહારી મંદિરના ટ્રસ્ટનું ગઠન કરવામાં આવ્યું છે. યુપીની યોગી સરકારે ટ્રસ્ટનું ગઠન કર્યું છે. પ્રમુખ સચિવ અતુલ શ્રીવાસ્તવે આ વિશેનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ટ્રસ્ટના કામ પણ નક્કી કરવામાં આવ્યા છે. હવે ટ્રસ્ટના પદાધિકારીઓ જ નક્કી કરશે કે, પૂજા વ્યવસ્થા કેવી હશે? તહેવારો પર મંદિરની સુરક્ષા કેવી રહેશે અને પૂજારી કોણ રહેશે? આ તમામ બાબતો હવે ટ્રસ્ટ દ્વારા થશે.

    આ ટ્રસ્ટનું કામકાજ જોવા માટે મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO) પણ તહેનાત કરવામાં આવ્યા છે. ટ્રસ્ટમાં કુલ 18 સભ્યો રાખવામાં આવશે. અધિસૂચના અનુસાર, બોર્ડમાં 4 રીતના સભ્યો હશે. પદેન સભ્યો તરીકે 7 અધિકારીઓ હશે. આ ઉપરાંત 11 અન્ય સભ્યો પ્રતિષ્ઠિત વ્યક્તિ સામેલ કરવામાં આવશે. ટ્રસ્ટમાં વૈષ્ણવ પરંપરા, સંપ્રદાય અથવા પીઠો સાથે સંકળાયેલા 6 લોકો પણ સામેલ હશે. 3 સભ્યો શિક્ષણવિદ, ઉદ્યમી, સમાજસેવી હશે. આ ઉપરાંત ગોસ્વામી પરંપરાના બે સભ્યો પણ હશે.

    વધુમાં સૂત્રોના હવાલાથી એવું પણ કહેવાય રહ્યું છે કે, એકાદ-બે દિવસમાં યોગી સરકાર CEOના પદ પર કોઈ વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરી શકે છે. આ ઉપરાંત સભ્યોનો કાર્યકાળ પણ 3 વર્ષ સુધીનો હોવાનું કહેવાયું છે. કોઈપણ સભ્યને 2 વખતથી વધુ વાર નિયુક્ત કરવામાં આવી શકશે નહીં. તમામ સભ્યો હિંદુ હશે અને સનાતન ધર્મમાં આસ્થા ધરાવતા હશે.