Saturday, April 26, 2025
More

    ‘રાજ્ય-નાગરિકો અને વ્યવસ્થા એ ની એ જ, પણ સરકાર બદલાવાથી આવ્યું મોટું પરિવર્તન’: સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં CM યોગીએ ગણાવી સિદ્ધિઓ

    ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યાને 8 વર્ષ પૂર્ણ થયા છે. 2017 અને ત્યારપછી 2022માં પણ જનતાએ ભાજપને બહુમત આપ્યો હતો. 8 વર્ષથી CM યોગી (CM Yogi Adityanath) ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે. ત્યારે 8 વર્ષ પૂર્ણ થયા બાદ સરકારે બુકલેટ જારી કરી છે.

    આ દરમિયાન CM યોગીએ એક પ્રેસકોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજ્ય સરકારની સિદ્ધિઓ પર એક પુસ્તિકાનું વિમોચન કર્યું. ઉપરાંત, સરકારની ‘સેવા, સુરક્ષા અને સુશાસન નીતિ’ પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી.

    પ્રેસ કોન્ફરન્સમાં CM યોગીએ કહ્યું કે “અમારી ડબલ એન્જિન સરકારમાં યુવાનો અને મહિલાઓ માટે કામ કરવામાં આવ્યું છે.” તેમણે કહ્યું કે 8 વર્ષમાં જનતાએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. 8 વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશ એક બીમાર રાજ્ય માનવામાં આવતું હતું, પરંતુ આજે એ જ રાજ્ય આર્થિક શક્તિ તરીકે ઉભરી આવ્યું છે.

    આ ઉપરાંત CM યોગીએ કહ્યું હતું કે, પહેલાં ઉત્તર પ્રદેશને વિકાસમાં અવરોધક માનવામાં આવતું હતું, પરંતુ આજે એ જ ઉત્તર પ્રદેશ વિકાસના ઉદાહરણ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે રાજ્ય એ જ છે, લોકો એ જ છે, વ્યવસ્થા એ જ છે, ફક્ત સરકાર બદલવાથી મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે.