Wednesday, December 4, 2024
More

    ‘જબ ભી બટે હૈ, નિર્મમતા સે કટે હૈ’: ઝારખંડમાં CM યોગીએ કહ્યું- જાતિઓમાં વહેંચાવાનું નથી, તમારી શક્તિનો પરિચય કરાવો

    ઝારખંડ (Jharkhand) વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ફરી એક વખત ‘બટેંગે તો કટેંગે’ના નારાનો પુનરુચ્ચાર કર્યો હતો. 

    તેમણે કહ્યું કે, જો એક રહીશું અને જાતિઓમાં ન વહેંચાયા તો જ ટકેલા રહીશું. તેમણે હિંદુઓને જાતિમાં વહેંચવા બદલ કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓને પણ આડેહાથ લીધી હતી. 

    એક રેલી સંબોધતાં CM યોગીએ કહ્યું, “તમારી શક્તિનો પરિચય કરાવો. જાતિઓમાં વહેંચાવાનું નથી. જાતિના નામ પર અમુક લોકો તમને વહેંચશે. કોંગ્રેસ અને વિપક્ષ એ જ કામ કરે છે. આ લોકો બાંગ્લાદેશી ઘૂસણખોરો અને રોહિંગ્યાને બોલાવી રહ્યા છે. એક દિવસ આ લોકો તમને તમારા ઘરમાં ઘંટી અને શંખ પણ નહીં વગાડવા દે.”

    તેમણે આગળ કહ્યું, “એક રહો, નેક રહો. દેશનો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે આપણે વહેંચાયા છીએ ત્યારે નિર્મમતાથી કપાયા છીએ.”

    નોંધનીય છે કે ઝારખંડ વિધાનસભા ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે. પહેલો તબક્કો 13 નવેમ્બરે અને બીજો તબક્કો 20 નવેમ્બરે યોજાશે. 23 નવેમ્બરના રોજ પરિણામો જાહેર થશે.