રવિવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, તેને જોતાં ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોથી પાંચસો મીટરના અંતર સુધી માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ખાસ કરીને 6 એપ્રિલના રોજ રામનવમીના દિવસે પશુ હત્યા અને માંસ વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
શનિવારે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીએ આ આદેશ બહાર પાડ્યો હતો અને તમામ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર વગેરેને તેનું કડકપણે પાલન કરાવવાના નિર્દેશ આપ્યા.
6 એપ્રિલના રોજ રામનવમી છે, જેથી આ દિવસે પશુની કતલ અને માંસ વેચાણ પર સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે.
સરકારે જણાવ્યું છે કે ઉપરોક્ત નિયમોના ઉલ્લંઘન બદલ UP મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1959 અને ફૂડ સેફ્ટી એક્ટ્સ 2006 અને 2011 હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સરકારે કડક આદેશ આપ્યા છે કે ધાર્મિક સ્થળોની પવિત્રતા અકબંધ રાખવામાં આવે અને સાથોસાથ રાજ્યમાં જે ગેરકાયદેસર કતલખાનાં ચાલી રહ્યાં છે તેને તાળાં લગાવવામાં આવે.