Tuesday, March 25, 2025
More

    જેઓ મહાકુંભ ન જઈ શક્યા, તેમના સુધી પણ સંગમનું પવિત્ર જળ પહોંચાડશે યોગી સરકાર: કામે લગાડાયાં 300 ફાયર ટેન્ડર, UPના તમામ 75 જિલ્લાઓમાં ફરશે

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પૂર્ણ થઈ ચૂક્યો છે. વિશાળ ફલક પર યોજાયેલા આ મહાપર્વમાં 60 કરોડ સનાતનીઓ પહોંચ્યા અને અનેક નવા વિશ્વવિક્રમો સર્જ્યા. આ મહાકુંભ પૂર્ણ થયા બાદ યોગી આદિત્યનાથ સરકારે એક અગત્યનો નિર્ણય લીધો છે. જે મુજબ રાજ્યના તમામ 75 જિલ્લાઓમાં ત્રિવેણી સંગમનું જળ પહોંચાડવામાં આવશે. 

    આ માટે યોગી સરકારે અગ્નિશામક વિભાગને કામે લગાડ્યો છે. જે ફાયર ટેન્ડરો મારફતે આ જળ તમામ જિલ્લાઓમાં પહોંચાડશે. આ પહેલનો હેતુ એ છે કે જેઓ કોઈ કારણસર મહાકુંભ નથી પહોંચી શક્યા, તેમને પણ જળ પહોંચાડવામાં આવે.

    કુંભના નોડલ ઑફિસર અને ચીફ ફાયર ઑફિસર પ્રમોદ શર્માએ મીડિયાને જણાવ્યું કે, “ઉત્તર પ્રદેશના તમામ 75 જિલ્લાઓમાં જળ પહોંચાડવા માટે અમે એક પ્લાન તૈયાર કર્યો છે. જરૂરિયાતો અનુસાર સંગમ જળ લઈને ફાયર ટેન્ડરો જુદા-જુદા જિલ્લાઓમાં રવાના કરવામાં આવશે.”

    આ માટે કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે અને પ્રથમ તબક્કામાં શુક્રવારે (28 ફેબ્રુઆરી) 21 ફાયર ટેન્ડરો જળ લઈને રવાના થયાં હતાં. આ ટેન્ડરો જિલ્લાઓમાં પહોંચે ત્યારબાદ જળ કઈ રીતે વિતરિત કરવું તે માટે પણ જિલ્લા સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ધાર્મિક સ્થળો પર પણ પવિત્ર જળનો છંટકાવ કરવાની ગણતરી છે. 

    સરકાર લગભગ 300 ટેન્ડરો કામે લગાડશે અને દરેકમાં લગભગ 5 હજાર લિટર જળ મોકલવામાં આવશે. કુલ પાંચ લાખ લિટર જળ આખા રાજ્યમાં મોકલવામાં આવશે, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે કોઈ બાકી ન રહી જાય. ખાસ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશથી આ કામ ઉપાડવામાં આવ્યું છે.