Monday, July 14, 2025
More

    સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે હવામાન વિભાગે જાહેર કર્યા યલો-ઓરેન્જ એલર્ટ: જુલાઈનું પહેલું અઠવાડિયું રહેશે અતિભારે વરસાદ

    છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યભરમાં ભારે વરસાદ છે. દક્ષિણ ગુજરાતના (South Gujarat) મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે, તો સુરતમાં (Surat) ખાડીપુરે પ્રજાને હેરાન કર્યા છે. ઘણી જગ્યાઓ પર પુર જેવી સ્થિતના કારણે વાહનો તણાય જવા જેવી ઘટનાઓ પણ બનવા પામી હતી. ત્યારે આજે (30 જૂન) ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયા સુધી વરસાદનું પૂર્વાનુમાન લગાવતા આગામી સ્થિતિની આગાહીઓ કરવામાં આવી છે.

    રાજ્યના હવામાન ખાતાએ આજે (30 જૂન) રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જયારે 1 જુલાઈના રોજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ‘ભારે વરસાદ’ની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ વગેરે જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 જુલાઈના રોજ નવસારીમાં અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જયારે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.

    હવામાન ખાતાએ 3 જુલાઈનાં રોજ સુરત, તાપી, નવસારી, વલસાડ, સાંબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે. જયારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 4 જુલાઈના રોજ અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, આણંદ, નર્મદા, સુરત સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત 5 જુલાઈના રોજ પણ રાજ્યભરના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.