ગાઝામાં હમાસનો (Hamas) વડો યાહ્યા સિનવાર (Yahya Sinwar) પણ હવે ઠાર મરાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જોકે, ઇઝરાયેલે હજુ સુધી પુષ્ટિ કરી નથી અને એ જાણવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે તે ખરેખર મર્યો છે કે કેમ.
યાહ્યા સિનવાર આતંકવાદી સંગઠન હમાસની સ્થાપનાથી તેની સાથે જોડાયેલો છે. તે ગાઝા પટ્ટીમાં હમાસનો વડો છે. ઉપરાંત, ઑગસ્ટ, 2024માં હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયા માર્યા ગયા બાદ તે હમાસ પોલિટ બ્યુરોનો પણ અધ્યક્ષ બન્યો હતો.
તાજેતરમાં જ ઇઝરાયેલે ગાઝામાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જેમાંથી એકની તસવીર સોશિયલ મીડિયા પર ફરી રહી છે, જે યાહ્યા સિનવાર જેવો જ દેખાય રહ્યો છે. જોકે, હાલ ઇઝરાયેલી સેના એ તપાસ કરી રહી છે કે આ આતંકવાદી સિનવાર જ હતો કે કેમ. હાલ અધિકારિક પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે.
‘ટાઈમ્સ ઑફ ઈઝરાયેલ’ના એક રિપોર્ટ અનુસાર, ઇઝરાયેલી સેનાના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે, માર્યો ગયેલો આતંકવાદી યાહ્યા સિનવાર જ હોવાની સંભાવનાઓ પ્રબળ છે.
વધુ વિગતો જોઈએ તો આતંકવાદીઓ એક ઇમારતમાં સંતાયેલા હતા. જ્યાં ઇઝરાયેલી સેનાના જવાનો પહોંચતાં બંને વચ્ચે એનકાઉન્ટર થયું હતું. ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલા ત્રણેય આતંકવાદીઓને ત્યારબાદ ઠાર કરવામાં આવ્યા હતા. જ્યારે અંદર જઈને જોયું તો સૈનિકોને એક આતંકી સિનવાર જ હોવાનું લાગ્યું હતું.
હવે તેની ઓળખની પુષ્ટિ કરવા માટે DNA ટેસ્ટ પણ કરવામાં આવશે તેવી સંભાવનાઓ છે. ટૂંક સમયમાં ઇઝરાયેલી સેના ફોડ પાડી શકે છે.