Saturday, April 19, 2025
More

    ‘ઇઝરાયેલને નુકસાન પહોંચાડનારા એકેએક આતંકવાદીનો અંજામ આ જ હશે’: હમાસ ચીફ સિનવાર ઠાર મરાયો હોવાની ઇઝરાયેલી સેનાએ કરી પુષ્ટિ

    હમાસનો વડો યાહ્યા સિનવાર માર્યો ગયો છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી સેનાના જવાનોએ એક ઑપરેશન ચલાવ્યું હતું, જેમાં તે ઠાર મરાયો. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે આ બાબતની અધિકારિક રીતે પુષ્ટિ કરી છે. 

    ઇઝરાયેલ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, “એક વર્ષ પહેલાં 7 ઑક્ટોબરના રોજ યાહ્યા સિનવારે નરસંહાર કરાવ્યો હતો, જેમાં 1200 ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા. આજે એક વર્ષ બાદ તે ઇઝરાયેલી સેનાના હાથે મરાયો છે.”

    આગળ જણાવવામાં આવ્યું કે, “ન્યાય થઈ ગયો છે. ઇઝરાયેલીઓને નુકસાન પહોંચાડનાર એકેએક આતંકવાદીની આ જ હાલત કરવામાં આવશે.”

    ઇઝરાયેલી સેનાએ પણ યાહ્યા સિનવાર માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી છે. 

    આ પહેલાં ઇઝરાયેલની સ્થાનિક મીડિયા ચેનલ ‘ચેનલ12’ દ્વારા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીના શરીર પર ટેસ્ટ કરવામાં આવ્યો તો પ્રાથમિક તબક્કે યાહ્યા સિનવાર જ હોવાની પુષ્ટિ થઈ છે. 

    નોંધવું જોઈએ કે ઇઝરાયેલી સૈનિકોએ યાહ્યા સિનવારને મારવા માટે ખાસ ઑપરેશન લૉન્ચ ન હતું કર્યું, પરંતુ એક ઇમારતમાં ત્રણ આતંકવાદીઓ સંતાયેલા હોવાના ઇનપુટના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા બાદ જ્યારે તેમના મૃતદેહો મળ્યા ત્યારે તેમાંથી એક સિનવાર હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં તે માર્યો ગયો હોવાની પુષ્ટિ થઈ. 

    આ પહેલાં ઇઝરાયેલે હમાસના ભૂતપૂર્વ વડા ઇસ્માઇલ હનીયાહ અને હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહને પણ ઠેકાણે પાડી દીધા હતા.