Tuesday, June 24, 2025
More

    ‘શક્તિ હોય તો જ દુનિયા પ્રેમની ભાષા સમજે છે’: પાકિસ્તાનને ધૂળ ચટાડ્યા બાદ RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન

    જયપુરમાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) પ્રમુખ મોહન ભાગવતે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, શક્તિ હોય તો જ દુનિયા પ્રેમની ભાષા સમજે છે. તેમણે પોતાના ભાષણમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ત્યાગની પરંપરાને યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતના ઇતિહાસમાં ભગવાન શ્રીરામથી લઈને ભામાશાહ જેવા મહાન વ્યક્તિઓએ ત્યાગ અને સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    તેમણે કહ્યું કે, ભારત વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ સ્થાપિત કરવાની દિશામાં નિરંતર પ્રયાસરત છે. તેમણે એવું પણ કહ્યું કે, ભારત કોઈપણ સાથે દ્વેષ નથી રાખતો, પરંતુ જ્યાં સુધી આપણી પાસે શક્તિ નહીં હોય, ત્યાં સુધી વિશ્વ પ્રેમ અને મંગળની ભાષા નહીં સમજે. તેમણે વધુમાં કહ્યું કે, તેથી વિશ્વ કલ્યાણ માટે શક્તિ હોવી જરૂરી છે અને આપણી આ શક્તિ વિશ્વએ જોઈ લીધી છે.

    મોહન ભાગવતે એ પણ કહ્યું છે કે, શક્તિ જ તે માધ્યમ છે, જેનાથી ભારત પોતાની વાત પ્રભાવી રીતે વિશ્વ સામે રાખી શકે છે. વિશ્વનો આ જ સ્વભાવ છે, તેને બદલી શકાય નહીં. આ સાથે જ તેમણે સંત સમાજની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, ઋષિ પરંપરાનું નિર્વહન કરતા તેઓ સંસ્કૃતિ અને ધર્મની રક્ષા કરી રહ્યા છે.