Tuesday, July 15, 2025
More

    2029ની વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ યોજાશે ભારતમાં, અમદાવાદ કરશે યજમાની 

    2029ની વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ભારતમાં રમાવા જઈ રહી છે. યજમાન તરીકે ભારતની પસંદગી કરવામાં આવી અને ભારતમાં પણ ગુજરાતના અમદાવાદમાં સમગ્ર આયોજન કરવામાં આવશે. 

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક પોસ્ટ કરીને કહ્યું કે, “2029ની વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સની યજમાની માટે ભારતની પસંદગી કરવામાં આવી, જે તમામ નાગરિકો માટે ગર્વપૂર્ણ બાબત છે. આયોજનની યજમાની માટે ભારતનું બીડ જીતવું એ દર્શાવે છે કે વડાપ્રધાનના નેતૃત્વમાં નિર્મિત આપણું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક સ્તરે ઓળખ પામી રહ્યું છે. 

    અમદાવાદનો ઉલ્લેખ કરીને કહ્યું કે શહેરને આ આયોજનસ્થળ તરીકે પસંદ કરવામાં આવવું એ તેની  એક ખેલસ્થળ તરીકે વધતી પ્રતિષ્ઠાનું પ્રમાણ છે. 

    વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ (WPFG) એક દ્વિવાર્ષિક રમતસ્પર્ધા છે, જેમાં વિશ્વભરના સક્રિય કે નિવૃત્ત લૉ એન્ફોર્સમેન્ટ કે ફાયર સર્વિસના કર્મચારીઓ ભાગ લે છે. WPFG ફેડરેશન એ કેલિફોર્નિયા પોલીસ એથલેટિક ફેડરેશનની એક શાખા છે. આ અમેરિકાનું એક NGO છે. 

    રમતની શરૂઆત 1985માં થઈ હતી. અંતિમ વખત 2023માં તેનું આયોજન કેનેડામાં કરવામાં આવ્યું હતું. 2025માં અમેરિકામાં આયોજિત થશે. 2027માં ઓસ્ટ્રેલિયન પર્થમાં અને 2029માં ભારતના અમદાવાદમાં આયોજન થશે. ભારત પ્રથમ વખત યજમાની કરશે.