કર્ણાટકમાં (Karnataka) રેવડી કલ્ચરમાં હવે એક નવી વસ્તુનો ઉમેરો કરવાની માંગ ઉઠી છે. 18 માર્ચે કર્ણાટક વિધાનસભામાં JD(S)ના ધારાસભ્ય એમટી કૃષ્ણપ્પાએ (MT Krishnappa) કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારને દર અઠવાડિયે પુરુષોને 2 બાટલી દારૂ મફત (Free Liquor) વહેંચવાનું સૂચન કર્યું હતું, જેનાથી વિવાદ ઉભો થયો છે. તેમણે આ માંગ વિધાનસભામાં કરી હતી.
નોંધનીય છે કે કર્ણાટક કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારેની દર મહિને મહિલાઓને ₹2000 આપવાની યોજનાને લઈને એમટી કૃષ્ણપ્પાએ આ ટિપ્પણી કરી હતી. તેમણે કર્ણાટક વિધાનસભામાં બોલતા કહ્યું હતું કે, “પોતાના ખર્ચે, તમે મહિલાઓને દર મહિને ₹2000, મફત વીજળી અને મફત બસ મુસાફરી આપી રહ્યા છો.”
તેમણે આગળ દારૂ મફત આપવાની માંગ કરતા કહ્યું કે, “તે અમારા પૈસા છે. તો, જેઓ પીવે છે તેમને દર અઠવાડિયે બે બોટલ દારૂ મફતમાં આપો. તેમને પણ પીવા દો. આપણે દર મહિને પુરુષોને પૈસા કેવી રીતે આપી શકીએ? તેના બદલે, તેમને કંઈક આપો, અઠવાડિયામાં બે બોટલ. તેમાં શું ખોટું છે? સરકાર સમિતિઓ દ્વારા તે આપી શકે છે.”
એમટી કૃષ્ણપ્પાની ઈચ્છા હતી કે સરકાર તેની પાંચ ગેરંટીઓમાં આ માંગનો સમાવેશ કરે. જોકે તેમની આ દરખાસ્તનો સ્વીકાર થયો નહોતો. તેમની દરખાસ્તને નકારી કાઢતા, ઉર્જા મંત્રી કે.જે. જ્યોર્જે કહ્યું, “તમે ચૂંટણી જીતો, સરકાર બનાવો અને એવું કરો. અમે લોકોને ઓછો દારૂ પીવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”