મહાશિવરાત્રિના પર્વ પર તાજમહેલમાં એક મહિલાએ શિવલિંગ મૂકીને ભગવાન શિવનો જળાભિષેક કર્યો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, આ ઘટના બુધવારે (26 ફેબ્રુઆરી) બની હતી. મહિલાએ પ્રયાગરાજ સંગમના જળથી ભગવાન શિવનો જળાભિષેક કર્યો હતો. સોશિયલ મીડિયા પર તે અંગેના કેટલાક વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે.
માહિતી અનુસાર, તે મહિલાએ તાજમહેલને તેજોમહાલય ગણાવીને અંદર જ ભગવાન શિવને જળ અર્પણ કર્યું હતું. મહિલાએ પોતે જ આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો પણ બનાવ્યો છે. સામે આવેલા વિડીયોમાં પણ મહિલા કહે છે કે, ‘આ તાજમહેલ નહીં, તેજોમહાલય છે.’
વધુમાં મહિલા કહે છે કે, “આજે મહાશિવરાત્રિના અવસર પર તેજોમહાલયની અંદર ગંગાજળ ચઢાવવા માટે આવી છું.” મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલાનું નામ મીરા રાઠોડ હોવાનું સામે આવ્યું છે અને તેઓ એક હિંદુ સંગઠનમાં મહિલા મોરચાના અધ્યક્ષ પણ છે. તેમણે પ્રયાગરાજ સંગમથી ગંગાજળ લાવીને શિવજીનો અભિષેક કર્યો છે.