સૈફ અલી ખાન પર હુમલા મામલે મુંબઈ પોલીસે સોમવારે (27 જાન્યુઆરી) પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સૈફ અલી પર હુમલા મામલે એક મહિલાની ધરપકડ પણ કરવામાં આવી છે. માહિતી અનુસાર, તપાસમાં સામે આવ્યું છે કે, પહેલાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી બાંગ્લાદેશી નાગરિક દ્વારા ઉપયોગમાં લેવાયેલું સીમ એક મહિલાના નામ પર રજિસ્ટર્ડ હતું.
અહેવાલ અનુસાર, મુંબઈ પોલીસે નદિયા જિલ્લાના છપરાથી એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસ તેને મુંબઈ લઈ જવા માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ માટેનું આવેદન પણ કરી શકે છે. સાથે એવું પણ સામે આવ્યું છે કે, તે મહિલાનું નામ ખુખુમોની જહાંગીર શેખ છે. તે પહેલાં પકડાયેલા બાંગ્લાદેશી શરીફુલ ઇસ્લામની પરિચિત છે.
માહિતી અનુસાર, આરોપી સિલિગુડી પાસે ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યો હતો અને આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. એવું કહેવાય રહ્યું છે કે, મહિલા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના અંદુલિયા ગામની રહેવાસી છે. જોકે, વધુ માહિતી તો પોલીસ તપાસ થયા બાદ જ સામે આવી શકે છે.