Friday, December 6, 2024
More

    25 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર, 20 ડિસેમ્બર સુધી ચાલશે: અનેક અગત્યનાં બિલ લાવી શકે સરકાર

    આગામી 25 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર (Winter Session) શરૂ થશે. જે 20 ડિસેમ્બર, 2024 સુધી ચાલશે. 

    કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ આ બાબતની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રપતિએ સંસદનું સત્ર યોજવા માટે અધિકારિક મંજૂરી આપી દીધી છે. 

    રિજિજુએ X પોસ્ટમાં લખ્યું, “ભારત સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિએ 25 નવેમ્બર, 2024થી 20 ડિસેમ્બર, 2024 સુધી સંસદનાં બંને ગૃહનાં સત્ર બોલાવવાની ભલામણને મંજૂરી આપી દીધી છે.”

    તેમણે આગળ જણાવ્યું કે, “26 નવેમ્બર, 2024ના રોજ સંવિધાન સદનના (જૂનું સંસદ ભવન) સેન્ટ્રલ હોલ ખાતે બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ ઉજવવામાં આવશે.” નોંધનીય છે કે આ જ દિવસે બંધારણને બંધારણ સભાએ મંજૂરી આપી હતી. 

    આ શિયાળુ સત્ર અત્યંત મહત્વપૂર્ણ રહેશે. સરકાર અનેક અગત્યનાં બિલ રજૂ કરી શકે છે. આગળના સત્રમાં રજૂ કરવામાં આવેલ વક્ફ સંશોધન વિધેયક પણ રજૂ કરીને ફરી ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે.