તાજેતરમાં સામે આવેલ અહેવાલો અનુસાર કાશ્મીરમાં (Kashmir) ટેટૂ હટાવવાનો ટ્રેન્ડ (Tattoo Removing Trend) ચાલી રહ્યો છે. શ્રીનગરમાં ટેટૂ રિમૂવલ આર્ટિસ્ટ બાસિત બશીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેણે યુવા-યુવતીઓના શરીર પરથી લગભગ એક લાખથી વધુ ટેટૂ દૂર કર્યા છે. તેના જણાવ્યા અનુસાર તેણે દૂર કરેલા મોટાભાગના ટેટૂમાં AK-47 રાઈફલવાળા ટેટૂનો (AK-47 Tattoo) સમાવેશ થાય છે.
જોકે બશીરે જણાવ્યા અનુસાર ટેટૂ બનાવવા તેમના મજહબ એટલે કે ઇસ્લામમાં હરામ છે. તેથી કાશ્મીરના યુવા-યુવતીઓ ટેટૂ હટાવી રહ્યા છે. એ વાત પણ સત્ય છે કે ટેટૂ બનાવડાવી દીધા પછી મુસ્લિમ યુવા-યુવતીઓને ખ્યાલ આવે છે કે ટેટૂ તો તેમના મજહબમાં હરામ છે.
એક વર્ષ પહેલાં ટેટૂ છૂંદાવનાર મુદાસિર અહેમદે મીડિયા વાતચીતમાં કહ્યું હતું કે, “મેં એક વર્ષ પહેલાં ટેટૂ કરાવ્યું હતું અને હવે મેં તેને કાઢવાનું નક્કી કર્યું છે. ઇસ્લામમાં તેની પરવાનગી નથી અને તેથી હું તેને કાઢવા માટે અહીં આવ્યો છું.”
બીજું એ પણ નોંધવા જેવું છે કે કાશ્મીરમાં AK-47ના ટેટૂને વિદ્રોહના પ્રતિક પ્રદેશના ઇતિહાસના પ્રતિબિંબ તરીકે જોવામાં આવે છે. ત્યારે TOIના અહેવાલ અનુસાર AK-47 વાળા ટેટૂ દૂર કરવાનો ટ્રેન્ડ પાછલા 4 વર્ષથી ચાલી રહ્યો છે.
ઇસ્લામના સન્માન માટે નહીં આર્ટિકલ 370 દૂર થવાથી આવ્યો બદલાવ
નોંધનીય છે કે કાશ્મીર એક અતિસંવેદનશીલ પ્રદેશ છે. આ વિસ્તારમાં દારૂ-ગોળા કે હથિયારોના ટેટૂ ધરાવતા લોકો સેનાની નજરમાં ઝડપથી આવતા હોય છે. નોંધનીય છે કે, 5 વર્ષ પહેલાં એટલે કે ઓગસ્ટ 2019માં કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. ત્યારપછી વિદ્રોહની ઘટનાઓ નહીંવત પ્રમાણમાં સામે આવી છે. લગભગ એટલા જ સમયથી રાજ્યમાં આર્ટિક્લ 370 રદ કરાયો છે.