Sunday, June 15, 2025
More

    અમેરિકામાં ગેરકાયદે ઈમિગ્રેશન વિરુદ્ધ કાર્યવાહી શરૂ: વિમાનોમાં ભરી-ભરીને સરહદ બહાર મોકલવામાં આવી રહ્યા છે ઘૂસણખોરો

    ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમેરિકી રાષ્ટ્રપતિ(US President) તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ એક્શનમાં આવી ગયા છે. અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પર હસ્તાક્ષર કર્યા બાદ હવે અમેરિકામાંથી ગેરકાયદે ઘૂસેલા ઘૂસણખોરોને (intruders) દેશ બહાર કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમને સૈન્ય વિમાનમાં ભરી-ભરીને અમેરિકાની સરહદ બહાર મોકલવામાં આવી રહ્યા છે. વાઇટ હાઉસે તેના સત્તાવાર X હેન્ડલ પર તેની માહિતી આપતો ફોટો પણ શેર કર્યો છે.

    વ્હાઈટ હાઉસ દ્વારા મુકવામાં આવેલી પોસ્ટમાં તે વાત પર જોર આપવામાં આવ્યું છે કે, ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસનારા લોકોએ તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. મૂકવામાં આવેલા ફોટામાં જોઈ શકાય છે કે, ગેરકાયદેસર ઘૂસેલા લોકોને હેન્ડકફ લગાવીને એક લાઈનમાં સૈન્ય વિમાનમાં ચડાવવામાં આવી રહ્યા છે. આ ફ્લાઈટ અમેરિકાથી ઉડીને ગ્વાટેમાલા મોકલવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પહેલી બેચમાં 160 પ્રવાસીઓ મોકલવામાં આવ્યા હોવાનું પણ કહેવાય છે.

    વાઇટ હાઉસના પ્રેસ સચિવ કૈરોલિન લેવિટે પણ આવી જ એક પોસ્ટ મૂકી હતી. તેમણે માહિતી આપી હતી કે, 538 ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી હતી, જે પૈકી એક શંકાસ્પદ આતંકવાદી પણ છે જેના પર અનેક ગુના દાખલ છે. તેમણે લખ્યું હતું કે, “ગેરકાયદેસર ઘૂસણખોરોનું નિર્વાસન શરૂ થઈ ચૂક્યું છે. આખા વિશ્વને ટ્રમ્પ એક મજબુત સંદેશ મોકલી રહ્યા છે કે, જો તમે ગેરકાયદેસર રીતે USAમાં ઘૂસ્યા તો તમારે તેના પરિણામો ભોગવવા પડશે.”

    ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ અમેરિકામાં ઘૂસણખોરોને કોઈ કાળે નહીં સાંખી લે. તેઓ પોતાના આખા કેમ્પેઈન દરમિયાન કહેતા રહ્યા કે, તેઓ ઘૂસણખોરોને અમેરિકાની સરહદ બહાર મોકલી દેશે. ત્યારે સત્તા સંભાળતાની સાથે જ તેમણે કહેલી વાતોનું અમલીકરણ શરૂ કરી દીધું છે. તેમણે પણ એક પોસ્ટ કરીને જે વાયદાઓ કરવામાં આવ્યા હતા, તેના પર કામ શરૂ થઈ ચૂક્યું છે.