Monday, March 17, 2025
More

    ટ્રમ્પે સલાહકારો સાથે કરી બેઠક, યુક્રેનિયન પ્રતિનિધિમંડળને રવાના થવા માટે કહેવાયું, પ્રેસ કૉન્ફરન્સ-લંચ વગર જ ચાલ્યા ગયા ઝેલેન્સ્કી: વ્હાઇટ હાઉસમાં શું બન્યું હતું

    શુક્રવારે (28 ફેબ્રુઆરી) અમેરિકામાં કંઇક એવું બન્યું, જેની ચર્ચા હવે વિશ્વભરમાં થઈ રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી પ્રતિનિધિમંડળ સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરવા માટે આવ્યા હતા. અહીં બંને રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં યુદ્ધ અને અન્ય મુદ્દાઓ ઉપર વાતચીત થવાની હતી અને અનુમાન હતું કે યુદ્ધને અનુલક્ષીને કોઈ મહત્વના કરાર કરવામાં આવશે કે સમજૂતી થશે, પરંતુ ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. જેના કારણે ઝેલેન્સ્કીએ વ્હાઈટ હાઉસ છોડીને ચાલ્યા જવું પડ્યું. 

    હવે મીડિયામાં વધુ વિગતો આવી છે. જે અનુસાર બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં ઉગ્ર ચર્ચા થયા બાદ એક પ્રેસ કૉન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી, જે સામાન્ય રીતે દરેક દ્વિપક્ષીય બેઠક બાદ યોજાય છે. ત્યારબાદ ભોજનની પણ વ્યવસ્થા હતી. પરંતુ ન તો પ્રેસ કૉન્ફરન્સ યોજાઈ કે ન ભોજન કરવાનો વખત આવ્યો. 

    ઘટનાક્રમને જોનાર વિદેશી પત્રકારો અનુસાર, બેઠક જેવી પૂર્ણ થઈ કે ટ્રમ્પના સલાહકારો તેમને ઓવલ ઑફિસમાં ઘેરી વળ્યા હતા અને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ટ્રમ્પ બેઠકમાં જ કહી ચૂક્યા હતા કે ઝેલેન્સ્કી સાથે કોઈ સમજૂતી પર પહોંચી શકાય એમ નથી, તેનાં ઘણાં કારણો છે. તેમના મનમાં પુતિન પ્રત્યે ભારોભાર દ્વેષ છે, જે કોઈ પણ સમાધાન કરવામાં બાધા બની રહ્યો છે અને બીજી તરફ ટ્રમ્પ અને તેમના ઉપરાષ્ટ્રપતિએ ઝેલેન્સ્કી પર અમેરિકાનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો. 

    ટ્રમ્પે પછીથી અધિકારીઓને આદેશ આપ્યો કે ઝેલેન્સ્કી સાથે હમણાં કોઈ ચર્ચા થઈ શકે એમ નથી અને યુક્રેનિયન પ્રતિનિધિમંડળને સૂચના આપી દેવામાં આવે કે તેઓ અહીંથી ચાલ્યા જાય. 

    આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ અને પ્રતિનિધિમંડળ અન્ય એક ખંડમાં હતા. તેઓ ભોજન માટે ફરી મળવાના હતા, પરંતુ તેમ થયું નહીં અને તમામ રવાના થઈ ગયા. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે યુક્રેનિયનો વાતચીત આગળ વધારવા માંગતા હતા, પણ યુએસ તરફથી સ્પષ્ટ ના પાડી દેવામાં આવી. ત્યારબાદ ઝેલેન્સ્કી રવાના થઈ ગયા.