Wednesday, June 25, 2025
More

    જાતીય શોષણ કેસમાં બ્રિજ ભૂષણ શરણ સિંઘને કોર્ટે જાહેર કર્યા નિર્દોષ, કેસ કર્યો બંધ: આરોપ લગાવનાર સગીર મહિલા પહેલવાને કોર્ટમાં જણાવ્યું – રાજકીય દબાણ હેઠળ લેવામાં આવ્યું હતું નામ

    કોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના (WFI) (Wrestling Federation of India) ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંઘને (Brij Bhushan Sharan Singh) રાહત આપી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તેમને સગીર પહેલવાનના જાતીય શોષણના કેસમાંથી મુક્ત (acquitted) કરી દીધા છે અને કેસ બંધ કરી દીધો છે. દિલ્હી પોલીસે કેસ રદ કરવાની માંગ કરી હતી.

    કોર્ટે સગીરના નિવેદનના આધારે આ નિર્ણય આપ્યો છે. 01 ઓગસ્ટ, 2023ના રોજ કેસની સુનાવણી દરમિયાન, સગીરે કહ્યું હતું કે તેણે આ આરોપો કોઈ રાજકીય અને ભાવનાત્મક દબાણ હેઠળ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેની સાથે આવી કોઈ ઘટના બની નથી. આ નિવેદન પછી, કોર્ટે તેને ‘ગંભીર પરિવર્તનીય પુરાવા’ તરીકે ગણ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે બ્રિજભૂષણ સિંઘ પર એક સગીર મહિલા પહેલવાન દ્વારા જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત ઘણા કુસ્તીબાજોએ દિલ્હીમાં ઘણો હંગામો મચાવ્યો. જોકે, જાતીય શોષણના કોઈ પણ આરોપ કોર્ટમાં સાબિત થઈ શક્યા નથી.