Thursday, July 10, 2025
More

    પેટાચૂંટણીમાં વિજયની ઉજવણી દરમિયાન આતશબાજી, દાઝી જતા 10 વર્ષની તમન્નાનું મોત!: પશ્ચિમ બંગાળની ઘટના, ભાજપે કહ્યું- TMCની ઉજવણી પણ લોહીથી લથપથ

    23 જૂન 2025ના રોજ પશ્ચિમ બંગાળના કાલીગંજમાં યોજાયેલી પેટા ચુંટણીમાં મત ગણતરી દરમિયાન એક ક્રુડ બોમ્બ ફૂટવાની ઘટના બની હતી. જેમાં એક 10 વર્ષની માસુમ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના ત્યારે બની હતી જયારે બંગાળની સત્તારૂઢ પાર્ટી TMC જીતની ઉજવણી કરી રહી હતી.

    મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતી ધરાવતા કાલીગંજના બરોચાંડગર ગામમાં, પેટા ચૂંટણીની મત ગણતરીમાં TMC પાર્ટી આગળ ચાલી રહી હતી. ચૂંટણીમાં જીત નિશ્ચિત છે એમ માની TMCના કાર્યકરો વિજયની ઉજવણીમાં આતશબાજી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ત્યાં ક્રુડ બોમ્બ ફૂટવાની ઘટના બનવા પામી હતી. બોમ્બ વિસ્ફોટની ઘટનામાં સ્થાનિક મુસ્લિમ પરિવારની 10 વર્ષની બાળકી તમન્ના ખાતુનનું મૃત્યુ થયું હતું. માસુમ બાળકીના મૃત્યુ બાદ ખુબ હોબાળો મચ્યો હતો.

    આ મામલે પશ્ચિમ બંગાળની CM મમતા બેનર્જીએ X પર પોસ્ટ કરી બાળકીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. TMC નેતા મમતા બેનર્જી એ X પર લખ્યું હતું કે, “કૃષ્ણનગર પોલીસ જિલ્લાના બરોચાંડગરમાં થયેલા વિસ્ફોટમાં એક બાળકીના મૃત્યુથી આઘાત અને ખૂબ દુઃખની લાગણી અનુભવું છું. દુઃખની ઘડીમાં મારી પ્રાર્થના પરિવાર સાથે છે. પોલીસ ગુનેગારો સામે વહેલી તકે કડક કાનૂની કાર્યવાહી કરશે.”

    જોકે, ભારતીય જનતા પાર્ટીના આઇટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ TMC પર આકરા પ્રહારો કરતા X પર એક પોસ્ટ કરી અને લખ્યું હતું કે, “ફરી એકવાર, TMCની ઉજવણી લોહીથી ખરડાઈ ગઈ છે. મુસ્લિમ બહુમતીવાળા કાલીગંજ પેટાચૂંટણીમાં ટીએમસીની વિજય રેલીમાં બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, અને ભાગદોડમાં એક નાની છોકરી તમન્ના ખાતુનું કે જે ચોથા ધોરણની વિદ્યાર્થીની હતી તેની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે ટીએમસી તેમના ‘વિજય’ના સૂર પર નાચતી હતી, ત્યારે એક બાળકીનો જીવ જતો હતો. ટીએમસી કોઈ રાજકીય પક્ષ નથી. તે ગીધોનો સમૂહ છે. તેઓ લોહી વહેવડાવ્યા વિના પેટાચૂંટણી પણ જીતી શકતા નથી. પશ્ચિમ બંગાળની શું હાલત થઇ ગઈ છે ? શું મમતા બેનર્જીના શાસનમાં વિજયની કિંમત આ છે?”