Sunday, March 23, 2025
More

    પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીએ ફગાવ્યાં CM મમતા બેનર્જીના દાવાઓ: ભાજપ પર ચૂંટણીમાં ગેરરીતિ કરવાનો લગાવ્યો હતો આરોપ

    પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ચૂંટણીમાં ગડબડીના દાવાઓને ફગાવી દીધા છે. અધિકારીએ જણાવ્યું છે કે, મતદાર યાદી કાયદાકીય માર્ગદર્શિકા મુજબ અપડેટ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની ટીકા કરતા ચૂંટણી અધિકારીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ X પર આ અંગેની માહિતી પણ પોસ્ટ કરી છે.

    પોસ્ટમાં ચૂંટણી અધિકારીએ મતદાર યાદી અપડેટ કરવાની પ્રક્રિયાઓની વિગતવાર માહિતી આપી, જેમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950, મતદાતા નોંધણી નિયમ 1960 અને મતદાતા યાદી માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં મમતા બેનર્જીએ કથિત મતદાર યાદીની ગેરરીતિઓની તપાસ માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે.

    મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે (27 ફેબ્રુઆરી) ભાજપ પર મતદાર યાદીઓ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે, તેમણે બંગાળની પરિસ્થિતિની તુલના મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કથિત ચૂંટણી ગેરરીતિઓ સાથે કરી. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપે અન્ય રાજ્યોમાં પણ આવી જ રણનીતિ અપનાવી હતી અને હવે પશ્ચિમ બંગાળમાં પણ તેનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે.