Wednesday, June 25, 2025
More

    ‘અમેરિકા પર ટેરિફ લગાવી વળતો જવાબ આપીશું’: ભારતે WTOમાં કરી જાહેરાત, જણાવી યોજના

    ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારતીય સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ લગાવવાના વળતા જવાબમાં ભારતે યુએસ ઉત્પાદનો પર જવાબી ટેરિફ લાદવાની યોજના વિશે વિશ્વ વેપાર સંગઠનને (WTO) ઔપચારિક રીતે સૂચિત કર્યું છે. જ્યારે આ ટેરિફ લાગુ થશે ત્યારે ટ્રમ્પના ટેરિફના જવાબમાં ભારતની વ્યૂહરચનામાં પણ નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે.

    અહેવાલો અનુસાર, યુએસ માલ પરના જવાબી ટેરિફથી ભારત માટે ડ્યુટી તરીકે લગભગ $1.9 બિલિયન એકત્ર થઈ શકે છે. આ પ્રસ્તાવ 30 દિવસ પછી અમલમાં આવી શકે છે.

    WTOના એક પત્રમાં જણાવાયું છે કે, સલામતીના પગલાં ભારતમાં ઉદ્ભવતા સંબંધિત ઉત્પાદનોની 7.6 અબજ યુએસ ડોલરની આયાતને અસર કરશે, જેના પર ડ્યુટી વસૂલાત 1.91 અબજ યુએસ ડોલર થશે.

    ભારતે કહ્યું છે કે, ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારતના સ્ટીલ અને એલ્યુમિનિયમ નિકાસ પર લેવામાં આવેલા પગલાં 1994ના GATT અને AoS સાથે સુસંગત નથી.

    અહીં ઉલ્લેખનીય છે કે, 12 મેના રોજ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, દ્વિપક્ષીય વેપારની ધમકી આપ્યા બાદ ભારત અને પાકિસ્તાન તણાવ ઓછો કરવા સંમત થયા હતા. જોકે, ભારત તરફથી જવાબી કાર્યવાહીના ટેરિફ પગલાં અપેક્ષિત હતા, કારણ કે ટ્રમ્પે પદ સંભાળ્યા પછી ભારતીય નિકાસ પર ટેરિફની જાહેરાત કરી હતી.