Monday, July 14, 2025
More

    ‘અલ્લાહના દુશ્મનોને કરીશું ખતમ’- ટ્રમ્પ અને નેતન્યાહૂ વિરુદ્ધ ઈરાની મૌલવીનો ફતવો!: દુનિયાભરના મુસ્લિમોને એક થવાની કરી અપીલ

    તાજેતરમાં જ ઇઝરાયેલ અને ઈરાન (Iran) વચ્ચે સંઘર્ષ વધ્યું હતું અને તેમાં અમેરિકાએ (USA) પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને હવે તેહરાનના મૌલવી (Fatwa by Tehran Maulvi) ટ્રમ્પ (Donald Trump) અને નેતન્યાહુ (Benjamin Netanyahu) પર ભડકી ઉઠ્યા છે અને તેમને ‘અલ્લાહના દુશ્મન’ ગણાવી દીધા છે. મૌલવીએ બંને દેશના વડાઓ વિરુદ્ધ ફતવો જારી કરીને તેમને અલ્લાહના દુશ્મન ગણાવી દીધા છે. 

    ન્યૂયોર્ક સનના રિપોર્ટ અનુસાર, શિયા મૌલવી નાસેર મકારેમ શિરાજીએ દુનિયાભરના મુસ્લિમોને એક થવાનું આહ્વાન કર્યું છે. ફતવામાં તેવું પણ કહેવામાં આવ્યું છે કે, કોઈપણ શખ્સ કે સરકાર વૈશ્વિક ઈસ્લામિક સમુદાયના નેતૃત્વ માટે જોખમ બનશે તો તેનો સખ્તાઈથી જવાબ પણ આપવામાં આવશે. 

    વધુમાં એવું પણ કહેવાયું છે કે, ઈરાનના સુપ્રીમ લીડરની હત્યા કરવાના પ્રયાસો કરનારાઓને અલ્લાહના પ્રકોપનો સામનો કરવો પડશે. આ રીતની હરકતોનો અલ્લાહ વિરુદ્ધ યુદ્ધ તરીકે જોવામાં આવશે. વધુમાં આ ફતવામાં સ્પષ્ટપણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલી પીએમ નેતન્યાહુને સ્પષ્ટ ધમકી આપવામાં આવી છે. 

    નોંધનીય છે કે, ઇઝરાયેલી પીએમએ તાજેતરમાં જ એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીની હત્યા કર્યાં બાદ જ મધ્યપૂર્વમાં શાંતિ જળવાઈ શકશે. તે સિવાય અમેરિકા પણ ખામેનીને મુખ્ય ગુનેગાર ગણાવે છે. જે બાદ હવે તેહરાનના મૌલવીએ બંને નેતાઓ વિરુદ્ધ ફતવો જારી કર્યો છે.